જામનગર-લાલપુર હાઈવે પરથી 52 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો: એકની શોધખોળ: રૂ. 6 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર   


લાલપુર પોલીસે બાતમીના આધારે ઈંગ્લીશ દારૂની 52 નંગ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ દારૂ પુરો પાડનાર શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે, જયારે પંચ બી ડિવિઝન પોલીસે સાત પટેલ વેપારીઓ પાર્ટી કરે તે પહેલા જ એક નંગ ઈંગ્લીશ દારૂની બોટલ અને બે નંગ બિયર સાથે ઝડપી લઈ બે કાર સહીત રૂ. 6 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર લાલપુર હાઈવે રોડ પર આવેલ મામા સાહેબના મંદિર સામેથી શનિવારે સાંજે પસાર થઈ રહેલી જીજે 10 ડીએ 0764 નંબરની ઈકો કાર લાલપુર પોલીસે બાતમીના આધારે ગાડી રોકાવી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 52 નંગ બોટલ કિમંત રૂ. 26,000 કબ્જે કરી જામનગરમાં ધરારનગર નદીના કાંઠે રહેતો ઈરફાન તારમામદ ઘોઘા નામના શખ્સને ઝડપી લઈ આ દારૂનો જથ્થો જામનગરના જીગ્નેશ ઉર્ફે જીગો રતીલાલ ચોપડા નામના શખ્સ પાસેથી વેંચાણ અર્થે લીધો હોય જેથી તેની શોધખોળ હાથ ધરી છે. 

જયારે જામનગર લાલપુર બાયપાસ નજીક આવેલ દરેડ ફેસ-3માં હરીપાર્કના ગેટ પાસેથી પંચ બી ડિવિઝન પોલીસે શનિવારે સાંજે બાતમીના આધારે જીજે 10 ડીજે 6022 નંબરની ગાડી રોકવી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની રૂ. 500ની કિંમતની એક નંગ બોટલ મળી આવતા ઇવાપાર્કમાં રહેતા ભાયલાલભાઈ રામજીભાઈ બુસા, સત્યમકોલોની સુન્દરમ એપાર્ટમેન્ટમાં રહેતા રવિભાઈ ધીરુભાઈ દલસાણીયા અને ઇવાપાર્કમાં રહેતા ખોડાભાઈ નાગજીભાઈ રામાણી નામના ત્રણ શખ્સને રૂ. 4,00,000ની ગાડી સહિતના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


ઉપરાંત દરેડમાં સંસ્કાર સ્કૂલના પાછળના ખુલ્લા પ્લોટમાંથી શનિવારે સાંજે પોલીસે બાતમીના આધારે જ્યોતિ પાર્કમાં રહેતા ગૌતમ મનસુખભાઈ વેકરીયા, વિમલ રમણીકભાઈ ફળદુ, નીકુંજ ધીરુભાઈ તરપરા અને અલ્પેશ વલ્લભભાઈ સાકરીયા નામના શખ્સોને બે બીયરના ટીન કિમંત રૂ. 200 તેમજ જીજે 03 એફએક્સ 9689 નંબરની રૂ. 2,00,000ની કિમંતની કાર સહિતનો મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.