જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સવારના સમયે એક ફ્લેટમાં તસ્કરોએ ત્રાટકી, માત્ર અડધો કલાકના સમયગાળામાં રૂ. એક લાખની રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 3.33 લાખનો મુદ્દામાલ ઉસેડી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

      આ બનાવ અંગે ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં શેરી નંબર 8 ખાતે આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં ચોથા માટે રહેતા મનીષભાઈ નરેન્દ્રકુમાર વિઠલાણી (ઉ.વ. 37) એ ખંભાળિયા પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ ગઈકાલે શુક્રવારે સવારના તેઓ બેંકના કામે ગયા હતા. ત્યાર બાદ આશરે 11 વાગ્યાના સમયે તેમના ધર્મપત્ની પણ ફ્લેટ બંધ કરી અને દવાખાનાના કામ અર્થે બહાર ગયા હતા. સવારે 11:30 વાગ્યે જ્યારે મનીષભાઈ પોતાના ઘરે પરત ફર્યા, ત્યારે ઘરના મેન દરવાજા ખુલ્લા હતા અને બંનેના દરવાજાના નકુચા તૂટેલા હતા. અને આ રહેણાંકમાં ચોરી થયાનું ધ્યાન આવ્યું હતું.

     આમ, તસ્કરોએ આ સ્થળે પ્રવેશ કરી અને રૂમમાં રહેલો માલસામાન વેરવિખેર કરી, રૂમમાં રહેલો લાકડાનો કબાટ ફંફોસી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા એક લાખ રોકડા ઉપરાંત સોનાનો ચેન, વીંટી, નથડી, સોનાનો દાણો, ચાંદીના સિક્કા, ચાંદીના ગળામાં પહેરવાના પેન્ડલ સેટ, વિગેરે જુદા જુદા દસ પ્રકારના સોના-ચાંદીના દાગીના ભરેલા પર્સ સાથેનો મુદ્દામાલ ઉસેડીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.

     આ પ્રકરણમાં રૂપિયા એક લાખ રોકડા ઉપરાંત રૂ. 2.33 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 3,33,000 નો મુદ્દામાલ ચોરી થવા સબબ મનીષભાઈ નરેન્દ્રભાઈ વિઠલાણીએ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

     ચોરી પ્રકરણનો તાગ મેળવવા પોલીસે ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્ણાતોની સેવાઓ લેવાની તજવીજ કરી હતી. આ પ્રકરણની વધુ તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોશી ચલાવી રહ્યા છે.

    આ ચોરીના બનાવમાં કોઈ જાણ ભેદુ સંડોવાયેલા છે કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસ આરંભી છે. માત્ર અડધો કલાક જેટલા સમયગાળામાં થયેલી આ ચોરીના બનાવે ભારે ચર્ચા સાથે લોકોમાં ચિંતાની લાગણી પ્રસરાવી છે.