તા. 13-3-23થી 21-3-23 સુધી શિવપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન: ભવિકોને ભાવભર્યું આમંત્રણ
જામનગર મોર્નિંગ - જામનગર
કચ્છમાં સામખીયારથી ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં આવેલ જગ વિખ્યાત કબરાઉધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતીક શ્રી વડવાળી મણીધર મોગલ માતાજીના મંદિર ખાતે પૂજ્ય બાપુશ્રી મોગલકુળ ચારણૠષિના પાવન સાનિધ્યમાં અને મોગલધામની પાવન તપોભૂમિમાં આગામી તા. 13-3-2023ને સોમવાર, ફાગણ વદ-6 થી તા. 21-3-2023ને મંગળવાર, ફાગણ વદ અમાસ સુધી મોગલધામ ખાતે ભવ્યતાથી ભવ્ય શ્રી શિવ પુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.
જે કથામાં વ્યાસપીઠ ઉપર અંબેધામ, કચ્છ, દુધઈના સુપ્રસિધ્ધ વકતા પ.પૂ. શ્રી સિધ્ધાર્થ મહારાજ બિરાજી અનેરા સંગીતની શેલી સાથે શિવકથાનું રસપાન કરાવશે. જે કથાનો સમય દરરોજ સવારે 9 થી 12 દરમ્યાન છે કથા દરમ્યાન દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કથા દરમ્યાન નામાંકિત કલાકારોના ભજન સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. મોગલધામ કબરાઉ ખાતે શિવપુરાણ કથાનું આયોજન હોય જે કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજ્ય બાપુશ્રી મોગલકુળ ચારણૠષિના સાનિધ્યમાં ભાવિકોની મીટિંગ બોલાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ભક્તજનો જહેમત ઉઠાવી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કબરાઉમાં આવેલ વડવાળી મણિધર મોગલ માતાજી મંદિર (મોગલધામ) ખાતે કોઈ પણ જાતનું દાન સ્વીકારવામાં આવતું નથી. મંદિરમાં ચારેકોર બોર્ડ લગાવેલ છે. અહીં કોઈએ ભેટ, દાન, રૂપિયા કે વસ્તુ ધરવી નહીં અને માતાજીના નિજ મંદિરમાં એવમ વિશ્વ કલ્યાણ અર્થે ચોવીસ કલાક માતાજીનો હવન વર્ષોથી ચાલુ છે. જે યજ્ઞમાં દરરોજ આશરે આઠસો જેટલા શ્રીફળ હોમાય છે અને સાત કિલો ગાયનું ઘી હોમાય છે. તેમજ બંને ટાઈમ અવિરત મહાપ્રસાદ ચાલુ છે.
અહીંયા દૂર દૂર થી ભાવિકો માતાજીના દર્શનાર્થે પધારે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને ભોજનાલયમાં મહાપ્રસાદ લ્યે છે. તેમજ પુનમના પણ હજારો ભાવિકો આવે છે, મોગલધામમાં આરતીના ઢોલ, નગારા અને સંખોથી ભક્તિમયના દિવ્ય માહોલ વચ્ચે કાયમ મહાઆરતી થાય છે. મોગલધામના પૂજ્ય બાપુશ્રી મોગલકુળ ચારણૠષિએ કહ્યું કે અહીંયા કોઈપણ જાતનું દાન સ્વીકારવામાં આવતું નથી તમારે દાન કરવું હોય તો ગરીબ પરિવારની દીકરીને કન્યાદાન આપો. જરૂરિયાત વર્ગને વસ્ત્રદાન આપો. જેમના માતા પિતા બાળકોની ભણવા માટે ફી નથી ભરી શકતા એમની ફી ભરી આપો. અન્નદાન એ મહાદાન છે, અંધશ્રદ્ધામાં ના રહેવું. પહેલા દવા પછી દુવા તેમ બાપુએ જણાવેલ છે. મોગલધામ કબરાઉ ખાતે શિવપુરાણ જ્ઞાનયજ્ઞ કથામાં સર્વે ભાવિક ભક્તજનોને પધારવા ધર્મ લાભ લેવા પ.પૂ. બાપુશ્રી મોગલકુળ ચારણૠષિ, મોગલધામ દ્વારા ભવભર્યુ નિમંત્રણ છે.
0 Comments
Post a Comment