જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દ્વારકા નજીકના નાગેશ્વર રોડ ઉપર આજરોજ બપોરે મુસાફરો સાથેની એક મોટરકાર અકસ્માતે પલટી જતા તેમાં સવાર એક મુસાફરનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.

      આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકાથી આશરે 12 કિલોમીટર દૂર નાગેશ્વર રોડ ઉપર આવેલી એક ગૌશાળા પાસેથી આજરોજ બપોરે આશરે 2:30 વાગ્યાના સમયે પસાર થઈ રહેલી જી.જે. 03 કે.એચ. 6998 નંબરની ટોયોટા કંપનીની મોટરકાર એકાએક પલટી ખાઈ જતા આ મોટરકારમાં સવાર ચાર મુસાફરો પૈકી લક્ષ્મણભાઈ મુગલાલ જોશીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

      જ્યારે આ કારમાં જઈ રહેલા હાર્દિકભાઈ કિશોરભાઈ રૂપલ, ભાવેશભાઈ સી. મજીઠીયા અને જયેશભાઈ બાબુભાઈ થાંભલીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ચાલુ થતા સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ ઇમર્જન્સી 108 ને કરવામાં આવતા 108 ના ઇએમટી સતિષભાઈ બાંભણિયા અને પાયલોટ રોહિતભાઈ કામરીયા તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘવાયેલાઓને તાકીદની સારવાર અપાવી હતી.

      રસ્તા પર જઈ રહેલી મોટરકારમાં યાંત્રિક ક્ષતિ સર્જાતા આ કાર પલટી ખાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે દ્વારકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.