હવામાં બે ફાયરિંગ કરાતા એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહી
જામનગર મોર્નિંગ - ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં તારીખ 23 મી ના રોજ યોજવામાં આવેલા એક ધાર્મિક કાર્યક્રમમાં રાણાવાવના શખ્સ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા આના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી, આ શખ્સની અટકાયત કરી હતી.ભાણવડ તાલુકાના ઝરેરા ગામે ગત તારીખ 23 મી જાન્યુઆરીના રોજ સંત દાસારામ બાપાની જન્મ જયંતીના પ્રસંગે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ દ્વારા પોતાની પાસે રહેલા અગ્નિશસ્ત્ર (બંદૂક) માંથી હવામાં ફાયરિંગ થયાનો વિડીયો યુ-ટ્યુબની એક ચેનલ ઉપર અપલોડ થયો હતો.
જે બાબત એસ.ઓ.જી. પોલીસના ધ્યાને આવતા આ અંગે વીડિયોની કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ અંતર્ગત એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ હુંણને મળેલી ચોક્કસ બાતમીના આધારે આમ જનતામાં ભયનું વાતાવરણ ફેલાય અને બેદરકાર બની અને લોકોની હાજરીમાં ગેરકાયદેસર રીતે ફાયરિંગ કરવા સબબ પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે રહેતા નાનજી મુરુભાઈ કરથીયા નામના શખ્સની અટકાયત કરી, વધુ તપાસ અર્થે આ શખ્સનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, જીતુભાઈ હુણ, કિશોરસિંહ જાડેજા તથા દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment