નવાગામ ઘેડમાં આઘેડનો દીકરીના લગ્નના આગલાં દિવસે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મધુરમ સોસાયટીમાં રહેતા એક આધેડે મકાનની બાજુમાં આવેલ એક બંધ મકાનમાં આજે સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આવતીકાલે પોતાની દીકરીના લગ્ન યોજાવવાના હતા અને ઘેર માંડવા બંધાયા હતા, ત્યારે લગ્નના આગલા દિવસે જ પિતાએ આપઘાતનું પગલું ભરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. 

મળતી વિગત મુજબ જામનગરમાં આવેલ નવાગામ ઘેડ વિસ્તારમાં મધુરમ સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડ (ઉ.વ. 55) કે જેના ઘરે આવતીકાલે તેની 25 વર્ષની પુત્રી મિત્તલના લગ્ન યોજાયા હતા. જે લગ્નના આગલા દિવસે એટલે આજે સવારે પોતાના ઘરની સામે જ બંધાઈ રહેલા નવા મકાનના બાંધકામના સ્થળે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી. જે બનાવને લઈને ભારે અરેરાટી ફેલાઈ છે. 

મૃતક નરોત્તમભાઈની જેઓની મોટી પુત્રી મિત્તલના લગ્ન સિક્કા ગામે યોજાયા હતા, અને આવતીકાલે સિક્કાથી જાન આવવાની હતી. નરોત્તમભાઈના અન્ય ત્રણ ભાઈઓ સહિતનો પરિવાર લગ્ન પ્રસંગને લઈને એકત્ર થયો હતો અને ઘેર માંડવા પણ બંધાઈ ગયા હતા. જે દરમિયાન આજે વહેલી સવારે પોતે શાક બકાલું લેવા જાય છે, તેમ કહી ઘરેથી નીકળ્યા પછી સામેના જ મકાનમાં છતના હુકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક નરોત્તમભાઈનો પુત્ર ત્યાંથી પસાર થતાં પિતાના મૃતદેહને લટકતો જોઈને અવાચક બની ગયો હતો, અને પરિવારને જાણ કરતા લગ્ન સમારોહમાં માતમ છવાઈ ગયો હતો, અને સમગ્ર પરિવારે એકત્ર થઈને હૈયાફાટ રુદન કર્યું હતું. 

આ બનાવ અંગે પોલીસને  જાણ કરાતાં સીટી બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક નરોત્તમભાઈને આર્થિક કોઈ તકલીફ ન હતી અથવા તો અન્ય કોઈ દબાણ પણ ન હતું તેમ છતાં ક્યાં સંજોગોમાં લગ્નના આગલાં દિવસે આપઘાત કરી લીધો તે અંગે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. હાલ લગ્ન પ્રસંગ મોકૂફ રખાયો છે.


આ બનાવની જાણ થતા સોસાયટીમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા અને મૃતકના પત્ની, ત્રણ પુત્રી અને પુત્ર શોકમાં ગરકાવ થઇ ગયા હતા.