જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


દ્વારકાથી આશરે 8 કિલોમીટર દૂર બરડીયા ગામની સીમમાં આવેલી એક હોટલના પાછળના ભાગે ઊભા કરવામાં આવેલા જીયોના ટાવરમાંથી ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ તસ્કરો ધારદાર વસ્તુથી કાપીને કિંમતી કોપર વાયર ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ દ્વારકામાં રહેતા ટેકનીશીયન હિતેશભા શુક્લભા માણેક દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ પ્રકરણમાં શકદાર તરીકે જી.જે. 13 એ.ડબલ્યુ. 6585 નંબરના બોલેરો પીકઅપ વાનના ચાલક સામે શંકા પણ પોલીસમાં વ્યક્ત કરવામાં આવી છે. જે દિશામાં દ્વારકા પોલીસે તપાસ આરંભી છે.


અન્ય એક બનાવમાં કલ્યાણપુરથી આશરે 16 કિલોમીટર દૂર ભાટીયા બાયપાસ પાસે આવેલા એક પેટ્રોલ પંપની પાછળ ઉભા કરવામાં આવેલા જીયો કંપનીના મોબાઈલ ટાવરમાંથી ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 9 થી 10 વાગ્યા વચ્ચેના સમયગાળામાં કોઈ શખ્સો દ્વારા ઝાળી ટપી અને ટાવરની લોખંડની સીડીથી ઉપર ચડી અને આશરે 790 ફૂટની લંબાઈના કોપર વાયરની ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં કુલ રૂપિયા 39,500 ના મુદ્દામાલની ચોરી થવા સબબ જુવાનપુર ગામના પરેશભાઈ મુળજીભાઈ પરમારએ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસ આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.