બેન્ક સ્ટાફ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા બેફામ વ્યાજ વસૂલ કરતા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે નાના અને સીમાંત લોકો તથા વેપારીઓને સહાયભૂત થવા આજરોજ ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે આજરોજ સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ યોજવામાં આવેલા લોન મેળામાં લીડ બેન્ક સ્ટાફ તેમજ નગરપાલિકા પ્રોજેક્ટ મેનેજર, જિલ્લા ઉદ્યોગ વિભાગ વિગેરેની ખાસ ઉપસ્થિતિમાં લોન મેળો યોજવામાં આવ્યો હતો.

આ લોન મેળામાં મોટી સંખ્યામાં ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોએ લોન અંગેની માહિતી મેળવી, જરૂરી પ્રક્રિયા જાણી હતી. રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરી ડામવાના હેતુ સાથે લોકો વ્યાજબી દરથી સરકાર કે બેન્ક પાસેથી લોન મેળવી શકે છે, તે અંગે લોકોને માહિતગાર કરી અને લોન અપાવવા માટે પોલીસતંત્ર દ્વારા સેતુ રૂપ કામગીરી કરવામાં આવતી હોવાનું જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જણાવાયું છે.

આ આયોજનમાં ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. કે.કે. ગોહિલ, ડી.એમ. ઝાલા સહિતના અધિકારીઓ સાથે રહ્યા હતા. આ લોન મેળાનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. જેમાં અનેક અરજદારોની લોન સ્થળ પર જ મંજુર કરવામાં આવી હતી.