પુત્રના જન્મદિવસ નિમિત્તે અનેક દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કર્યા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

વર્તમાન સમયમાં સંતાનના જન્મદિન પ્રસંગે લખલુટ ખર્ચ કરતા લોકો અનેક છે. પરંતુ આવા શુભ દિવસે ફક્ત સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને આશીર્વાદ મેળવતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના એક જાણીતા સેવાભાવી તબીબે પુત્ર જન્મના દિને નોંધપાત્ર સેવા કરી, પ્રેરણારૂપ સેવાની જ્યોત જલાવી હતી.

દ્વારકામાં વૃજ હોસ્પિટલ વારા ડો. સાગર કાનાણીના પુત્ર શ્રેષ્ઠના પ્રથમ જન્મ દિનની પાર્ટીમાં નાણા વેડફવાના બદલે સેવાકીય પ્રવૃત્તિ કરવાનું નક્કી કરી, આ દિવસે તેમની હોસ્પિટલમાં રસોળી, તલ, મસા, કપાસી વિગેરે જેવા માઈનોર ઓપરેશન કરી આપવા ઉપરાંત આ દર્દીઓને દવા પણ વિનામૂલ્યે આપવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

આ વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો આશરે 80 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. સાથે સાથે આ દર્દીઓએ દવા પણ વિનામૂલ્યે મેળવીને રાહતની લાગણી અનુભવી હતી. એક અંદાજ મુજબ આ ઓપરેશનથી આવા દર્દીઓની કુલ આશરે રૂપિયા અઢી લાખ લાખ જેટલી બચત થઈ હતી.


અવારનવાર દર્દીઓને નિઃશુલ્ક સેવા આપતા ડોક્ટર સાગર કાનાણીએ કોરોના કાળમાં પણ આશીર્વાદરૂપ કામગીરી કરી હતી.