બે ડઝનથી વધુ મુસાફરો ઘવાયા 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

યાત્રાધામ દ્વારકા નજીકના ધોરીમાર્ગ પર ગતરાત્રિના સમયે પરપ્રાંતિય યાત્રાળુઓ સાથેની એક બસ પલટી ખાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 25 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ છત્તીસગઢથી યાત્રાળુઓને લઈને આવેલી એક ખાનગી બસમાં દ્વારકાથી દર્શન કરીને યાત્રાળુઓ સોમનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર આવેલા નાવદ્રા ગામના પાટીયા પાસેથી રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે આ ખાનગી બસ કોઈ કારણોસર પલટી જવા પામી હતી.

આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેથી 108 નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બસ અકસ્માતમાં એક મુસાફરને વધુ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ બસમાં સવાર આશરે 25 થી 30 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સારવાર આપવામાં આવી હતી.

આ બનાવે ભારે કરુણતા સાથે મુસાફરોમાં દોડધામ પ્રસરાવી હતી.