ચોટીલાના ચાર યુવાનો પદયાત્રા કરીને જતી વેળાએ લૈયારા પાસે અકસ્માત નડ્યો: એકનું મોત, ત્રણ સારવારમાં
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર - રાજકોટ હાઇવે પર બે અકસ્માતમાં દ્વારકા ફુલડોલ ઉત્સવમાં જઈ રહેલા પદયાત્રીના મૃત્યુ નિપજ્યા જયારે ત્રણ પદયાત્રીઓ ઈજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ નાની બાણુગાર અને રામપર ગામના પાટીયા વચ્ચે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના વતની અને પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હિમાંશુભાઈ ચંદુલાલ કગથરા (ઉ.વ.25) કે જેઓને એક અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી હડફેટે લઈ કચડી નાખતા તેઓનું ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ધ્રોલ પંથકના રવજીભાઈ પનારા, પ્રતિકભાઈ ભાલોડીયા અને હિમાંશુભાઈ કે જેઓ રવિવારે પદયાત્રા કરીને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો અને હિમાંશુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક હિમાંશુભાઈના પિતા ચંદુલાલ કગથરા કે જેઓ પોરબંદરમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ધ્રોલ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અજાણ્યા ટ્રક ચાલકની સીસીટીવી કેમેરાની મદદથી શોધખોળ હાથ ધરી છે.
જયારે ચોટીલાના પિયાવા ગામે રહેતા ચાર પદયાત્રીઓ જેમાં રાજાભાઈ સામતભાઈ જોગરાજીયા, હામાભાઈ રાજાભાઈ ઢગેલ, રવિભાઈ મનસુખભાઈ ચાવડીયા અને નાથાભાઈ ધરમશીભાઈ કે જેઓ ચોટીલાથી પદયાત્રા કરીને દેવભૂમિ દ્વારકામાં ફુલડોલ ઉત્સવના દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે રવિવારે ધ્રોલ તાલુકાના લૈયારા નજીક આવી રહેલી જીજે 3 સીઆર 6434 નંબરની કારના ચાલકે ચારેય પદયાત્રીઓને ઠોકરે લેતા ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા જે ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં એક પદયાત્રી રાજભાઈનું ગંભીર ઈજા થવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે અન્ય ત્રણ પદયાત્રીઓ સારવાર હેઠળ છે. આ બનાવ પછી ટોળાઓ એકત્રિત થઇ ગયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કાર પર પથ્થર મારો કરી કારમાં તોડફાડ કરી હતી. આ અકસ્માતના બનાવ અંગે હામાભાઈએ કાર ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કારનો કબ્જો લઈ કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
0 Comments
Post a Comment