જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા એક યુવાન પર શનિવારે રાત્રે જીવલેણ હુમલો કરી, ઈજા પહોંચાડ્યા બાદ આ યુવાનનું મૃત્યુ નીપજતા હત્યા પ્રકરણના બંને આરોપીઓને પોલીસે દબોચી લઈ, જેલ હવાલે મોકલી આપ્યા છે.આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા નારણ પબુભાઈ વરજાંગવારા નામના 22 વર્ષના ગઢવી યુવાન પર શનિવારે રાત્રે આ જ ગામના થારીયા ભાયા ગઢવી નામના શખ્સે લોખંડના પાઈપ પડે તથા રણમલ ભાયા ગઢવીએ લાકડી વડે હુમલો કર્યો હતો.
આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નારણ પબુ ગઢવીને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવારની આવશ્યકતા જણાતા અમદાવાદ લઈ જતા માર્ગમાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આના અનુસંધાને ખંભાળિયા પોલીસે મૃતક નારણભાઈના કુટુંબી એવા થારીયા તથા રણમલ ભાયા ગઢવી સામે હત્યાની કલમ મુજબ ગુનો નોંધી ગઈકાલે રવિવારે તેની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. એન.એચ. જોષીએ ઉપરોક્ત બંને શખ્સોને અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આ બંનેને જેલ હવાલે મોકલી આપવાનો હુકમ કર્યો છે.
0 Comments
Post a Comment