કુલ રૂપિયા 57 હજારનો મુદ્દામાલ કબજે 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થાનિક પોલીસે વિદેશી દારૂ અંગેની કાર્યવાહી કરી, દરોડા દરમિયાન ત્રણ શખ્સોને 68 બોટલ પરપ્રાંતિય શરાબ સાથે ઝડપી લીધા હતા.

ખંભાળિયા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા ગતરાત્રે સર્વેલન્સ સ્ટાફ સાથે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિયમ દરમિયાન અહીંના પી.આઈ. ડી.એમ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ જેઠાભાઈ પરમાર તથા હેમતભાઈ નંદાણીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયાથી સામોર ગામના પાટીયા વચ્ચે જતાં એક હોટલ પાસેથી નીકળેલા નિખિલ કારૂભાઈ સામતભાઈ ગોજીયા (ઉ.વ. 23, રહે. કુવાડીયા) ના કબજામાંથી વિદેશી દારૂની ચાર બોટલ કરી એક મોબાઈલ પણ કબજે લીધો હતો.


આ શખ્સની પૂછપરછ દરમિયાન ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામના વાડી વિસ્તારમાંથી ધુમલ મુરૂભાઈડાંગર (ઉ.વ. 24) અને ભરત દેવાણંદ ગાગીયા (ઉ.વ. 30) નામના બે શખ્સોના કબજામાંથી પોલીસે વધુ 64 બોટલ પરપ્રાંતિય શરાબનો જથ્થો કબજે કર્યો હતો. આ સમગ્ર દરોડાની કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 31,520 ની કિંમતની 68 બોટલ દારૂ તથા રૂપિયા 25,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 56,520 નો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર કામગીરી અહીંના પી.આઈ. ડી.એમ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.