નેશનલ ક્લાઇમેન્ટ ચેન્જ અને હ્યુમન હેલ્થ જેવા વિષયો પર સમિતિના સદસ્યો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત, સભાગૃહ ખાતે જિલ્લા ટાસ્કફોર્સ સમિતિની બેઠક યોજાઈ હતી. આ ટાસ્કફોર્સ સમિતિનું નિર્માણ વર્ષ ૨૦૧૯ માં કરવામાં આવ્યું હતું. બેઠકમાં નેશનલ ક્લાઇમેન્ટ ચેન્જ અને હ્યુમન હેલ્થ અંગેની યોજનાઓ અને આગામી પગલાંઓ વિષે સમિતિના સદસ્યો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 

બેઠકમાં સભ્ય સચિવશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હારુન એચ. ભાયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વાતાવરણમાં વિષમ ફેરફારોને કારણે જમીન પરના તાપમાનમાં ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે. વરસાદ, ઠંડી અને ગરમીની ઋતુઓમાં અસામાન્ય રીતે જોવા મળતો વધારો-ઘટાડો આ પરિસ્થિતિ કલાયમેન્ટ ચેન્જ તરીકે ઓળખાય છે. કલામેન્ટ ચેન્જના કારણે સીધી અને આડકતરી અસર માનવ સમુદાય પર જોવા મળી છે. જેનાથી પાણીજન્ય રોગો, વાહકજન્ય રોગો, હ્ર્દય રોગો, હિટ સ્ટ્રોક, કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ સતત વધતું જાય છે. 

જેને ધ્યાનમાં રાખીને થોડા સમય પૂર્વે જામનગર જિલ્લામાં શીત લહેરના પગલે રક્ષણાત્મક પગલાંઓ અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી હતી. તેમજ કૃષિ અને પશુપાલન માટેની જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી. 

આ ઉપરાંત, હવા-પાણીના પ્રદુષણોના કારણે ઉદભવતા રોગોને અટકાવવા માટે પશુપાલન, ખેતીવાડી, ફૂડ એન્ડ ડ્રગ્સ અને ઓદ્યોગિક પ્રદુષણ વિભાગના આપવામાં આવેલા સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે. તેમજ ક્લાઈમેટ ચેન્જ અને માનવ સ્વાસ્થ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ બજેટ લાઈનની મર્યાદામાં માર્ચ-૨૦૨૩ સુધીમાં ખર્ચ કરવામાં આવશે. તેમજ ગામડાઓમાં જઈને લોકોને જાગૃત કરવાની પ્રક્રિયા પર ખાસ ભાર મુકવામાં આવશે. 

ઉપરોક્ત બેઠકમાં જી.જી. હોસ્પિટલ મેડિકલ સુપ્રિડેંન્ટ, એન.સી.ડી. સેલના પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, આરોગ્ય વિભાગ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર યજ્ઞેશભાઇ ખારેચા, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક અધિકારી, મામલતદાર (ડિઝાસ્ટર કન્ટ્રોલ), અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર એન. કન્નર, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડૉ. નુપુર પ્રસાદ,તમામ તાલુકાના અને જી.જી. હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.