જામનગર મોર્નિંગ - કચ્છ (સંજીવ કુમાર રાજપૂત) 


સફેદ રણ ધોરડો ખાતે ૭ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન જી-૨૦ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકના બીજા દિવસે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ તેમજ એપ્રોચ રોડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ધોરડો ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન પાસેથી રણોત્સવની શરૂઆતથી માંડીને અત્યારસુધી સફરની વિગતવાર જાણકારી મેળવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૮મા રણોત્સવમાં આપેલા સંબોધનને પણ કોન્ફરન્સ હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગેટ વે ટુ રણ રિસોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 


ગેટ વે ટુ રણ રિસોર્ટમાં નવનિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ ધોરડો ખાતેના વિવિધ આયોજનો સમયે મહત્વનો બની રહેશે. ગેટ વે ટુ રણ રિસોર્ટમાં ધોરડો રણોત્સવ કમિટી વર્ષ ૨૦૨૨-૨૩ દ્વારા કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિત એપ્રોચ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિસોર્ટનું સંચાલન ધોરડો‌ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. 

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, ગુજરાત ટુરિઝમના એમડી આલોક પાંડે, જિલ્લા કલેકટર  દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.