જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર તાલુકાના સચાણા ગામે એક પરિવાર દ્વારા ગૌચરની જમીનમાં પેશકદમી કરી ગેરકાયદે દબાણ અને કબજો કરવામાં આવ્યો હોવાથી તેની સામે લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ પગલા લેવા માટે જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ અરજી કરાઇ છે.

મળતી વિગત મુજબ સચાણાના અને માછીમારીનો ધંધો કરતા બશીર હારૂન ભગાડે એક અરજીમાં જણાવ્યા મુજબ મહમદસીદીક ગંઢાર, ઝુલેખા મહમદસીદીક ગંઢાર, ફારૂક મહમદસીદીક ગંઢાર, ફિરોઝ મહમદસીદીક ગંઢાર અને મહેમુદ મહમદસીદીક ગંઢારે એક સંપ કરી સચાણા ગામની સરકારી જમીનો ઉપર ગેરકાયદે કબજો કર્યો છે. ખેતીની જમીનમાં ઔદ્યોગિક એકમ નાખેલ તથા ગૌચરની હજારો ફૂટ જમીન ઉપર દબાણ કરી જાહેર રોડ-રસ્તા બંધ કરી દિધેલ છે. રેવન્યુ સર્વે નં.184માં મેઇન રોડ સાઇડ મરઘી ફાર્મ બનાવી પ્રદુષણ ફેલાવાય છે. ગેરકાયદે રીતે ગોડાઉન બનાવી સરકારી જમીનમાં દબાણ કરેલ છે. આ જમીનની બાજુની રે.સ.નં.130 જે ગૌચરની જમીન છે તેના ઉપર પણ દબાણ કર્યુ છે. રેવન્યુ સર્વે નં.171 તથા 169માં બીનખેતી કર્યા વગર આ શખ્સો દ્વારા ઔદ્યોગિક હેતુ મુજબનો વપરાશ થઇ રહ્યો છે. સચાણા ગામના નકશા મુજબ સર્વે નં.4માં પાંચેક હજાર ફૂટનું દબાણ કરી ગેરકાયદેસર રીતે ઓફિસો બનાવાઇ છે. સચાણા ગામે આ શખ્સોએ રસ્તા બંધ કરી મોટા બંગલા બાંધી લીધા છે તેમજ ગે.કા.રીતે મોબાઇલ ટાવર ખડકી મોટી કમાણી કરે છે. રેવન્યુ સર્વે નં.79, 81, 82માં પણ રોડ-રસ્તાનું દબાણ કરાયું છે.

ફારૂક મહમદસીદીક ગંઢારના પત્નિ તાલુકા પંચાયતના સભ્ય હોય રાજકીય ઓથ હેઠળ ગૌચરની જમીનમાં મોટા પાયે દબાણ કરેલ છે. દબાણ કરી બંગલા, ઔદ્યોગિક એકમો બનાવી લાખોની કમાણી થઇ રહી છે. આ પૈકી અમુક શખ્સોએ રાજકીય વગને લીધે ટોળા કરી હથિયારો સાથે લોકોને માર મારેલ છે.

ઉપરોકત શખ્સો સામે આ અરજીમાં એવી પણ આશંકા વ્યકત કરાઇ છે કે, સામાવાળાઓ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી રાજકીય તાકાતના જોરે ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની કે પરિવાર ઉપર જીવલેણ હુમલો કરે તેવી દહેશત છે. ઉપરોકત શખ્સો સામે લેન્ડગ્રેબીંગ એકટની જોગવાઇ તેમજ ભારતીય ફોજદારી કાયદાની જોગવાઇઓ હેઠળ ગુન્હો નોંધવાની માંગણી કરાઇ છે.