જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં આવેલ બર્ધન ચોક વિસ્તારમાં એક વીજ ટ્રાન્સ્ફોર્મરમાં નીચે કચરો સળગ્યા પછી એકાએક આગ લાગી ગઈ હતી અને આગ આખા વીજ ટ્રાન્સફોર્મરમાં ફેલાઈ હતી, ફાયર બ્રિગેડની ટુકડીએ વીજ તંત્રને બોલાવી લીધા પછી વીજ પુરવઠો બંધ કરાવી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને સમયસર કાબુમાં લઈ લીધી હતી, આ આગને લઈ બર્ધનચોક વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. 

મળતી વિગત મુજબ જામનગરના બર્ધનચોક વિસ્તારમાં મધ્યમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરની નીચે કચરાનો ઢગલો પડ્યો હતો, જેમાં વહેલી સવારે આઠ વાગ્યના અરસામાં કોઈએ તણખો મૂકી દીધો હોવાથી કચરો સળગવા લાગ્યો હતો, અને ધીમે ધીમે ઉપર રહેલા ટ્રાન્સફોર્મર માંથી થોડું ઘણું ઓઇલ લીકેજ હોવાના કારણે આગ ઉપર સુધી પહોંચી ગઈ હતી. જોત જોતામાં સમગ્ર ટ્રાન્સફોર્મર સળગી ઉઠ્યું હતું. આ ઘટનાને લઈને બર્ધનચોક વિસ્તારમાં ભારે અફડાતફડી મચી હતી. જ્યાં રસ્તાઓ પર માણસોની અવર-જવર રહે છે ત્યાં આગનો બનાવ બનાવથી લોકોના ટોળા એકત્ર થયા હતા. 

આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર શાખાની ટુકડી તુરંત જ દોડી ગઈ હતી, વીજ તંત્રની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સૌપ્રથમ આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો, ત્યારબાદ ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીનો મારો ચલાવી આગને સમયસર કાબુમાં લઇ લેતા વધુ આગ પ્રસરતા અટકી હતી અને સદનસીબે કોઈ મોટો બનાવ બનતા અટક્યો હતો, જો કે આગના કારણે ટ્રાન્સફોર્મર તથા અકેટ્લાંક વાયરો સહિતનો જથ્થો સળગીને ખાખ થયો હતો.