શ્રી આશાભા માણેક પરિવાર આયોજિત 

જામનગર મોર્નિંગ - દ્વારકા (બુધાભા ભાટી) 

દ્વારકામાં તા. ૧૪ ફેબ્રુ.ના સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાશે જેમાં ૧૧૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે. સાંંસદ પરિમલ નથવાણી અને પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં ધારાસભ્ય પબુભા માણેકના યજમાન પદે લગ્નોત્સવ સંપન્ન થશે.

ધારાસભ્ય પબુભા માણેકના યજમાન પદે સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના ૧૧૧ નવ દંપતીઓનો સમૂહ લગ્નોત્સવ તા. ૧૪ ફેબ્રુ. ના સનાતન સેવામંડળના પરિસરમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીના હસ્તે થશે જ્યારે મુખ્ય અતિથિ પદે હાલારના સાંસદ પૂનમબેન માડમ તથા અતિથિ પદે તાતા  કેમિકલ્સ આરએસપીએલ સહિતના ઉદ્યોગપતિઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં  લગ્નોત્સવનો મહામુલો કાર્યક્રમ સંપન્ન થનાર છે. ધર્મનગરી દ્વારકાના આંગણે સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના આ ૨૨ માં લગ્નોત્સવની સાથે જ તા. ૧૬ ફેબ્રુ.ના સમસ્ત વણકર સમાજ (અનુસૂચિત જાતિ)ના ૨૩ નવદંપતીઓના સમૂહ લગ્નોત્સવ પબુભા માણેકના યજમાન પદે યોજાનાર છે.

છેલ્લા સાડા ત્રણ દાયકાઓથી પબુભાના પિતા સ્વ. વિરમભા આશાભા માણેક પરિવાર આયોજીત સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ થયો હતો જે આજે પણ તેમના પરિવારજનોએ જાળવી રાખ્યો છે. દ્વારકા તાલુકામાં હજારોની વસ્તિ ધરાવતા ક્ષત્રિય વાઘેર સમાજના ખેડૂત પુત્રોના પરિવારોને એક જુથ રાખીને સંગઠન તથા ધાર્મિક પ્રસંંગોની કેડી ઉપર ચાલનારા સમાજ માટે પબુભા અનેકવિધ સમાજ વિકાસની યોજનાઓ ચલાવી રહ્યા છે.

તા. ૧૪ ફેબ્રુ.ના યોજાનારા આ ભવ્યાતિભવ્ય લગ્નોત્સવના કાર્યક્રમની વિગતો પ્રમાણે સવારે ૧૦ કલાકે હસ્ત મેળાપ, ૧૧ કલાકે સત્કાર સમારંભ, ૧૨ કલાકે મંગળફેરા ૧ કલાકે સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો થશે. નવદંપતીઓને આશીર્વાદ પાઠવવા સાધુ-સંતો સ્વામી કેશવાનંદજી, ગોવિંદસ્વામિ, ચંદ્ર પ્રસાદ દાસજી, મહંતબાપુ સહિતના સંતગણ ઉપસ્થિત રહેશે. દ્વારકા-બારાડીના જુદા જુદા સમાજ ના અગ્રણીઓ દ્વારકાદાસ રાયચુરા, રસીકભાઈ કવા, રસીકભાઈ દાવડા, સુભાષ ભાયાણી, આલાભાઈ સવાણી, અશ્વિન પુરોહિત વિગેરે પણ નવદંપતીઓને શુભેચ્છા પાઠવશે.