દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખની મુખ્યમંત્રી સમક્ષ માંગ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ગુજરાતમાં ગત રવિવારે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા ભારે બેકારો બોલી જવા પામ્યો છે. સાથે સાથે અનેક વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારજનોના અરમાનો પર વજ્રઘાત થયો છે. આ બાબતે સરકારની કથિત બેદરકારી અંગેના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

સરકારી ભરતી અંગેનું પેપર લીક થતા રાજ્યભરમાં આ પરીક્ષા આપવા ઈચ્છતા આશરે નવ લાખ જેટલા વિદ્યાર્થીઓની નિરાશા સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા પણ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી, જાહેર પરીક્ષાના પેપરો ફોડનારા લોકો સામે ફાંસી જેવી દાખલારૂપ સજા આપવાનો કાયદો લાવવાની માંગ કરી છે.

વિદ્યાર્થીઓના ભવિષ્યને કેટલાક તત્વો બરબાદ કરવાનું કામ કરે છે. જે સામે કડક હાથે કામગીરી કરવા રજૂઆત કરાઈ છે. વારંવાર પેપર ફૂટતા હોય, જો આવો કડક કાયદો અમલમાં મૂકવામાં આવે તો પેપર ફોડનાર તત્વો માટે આ કાયદો લાલબત્તી સમાન સાબિત થઈ શકે. જેથી આવા લોકો ભવિષ્યમાં પેપર ફોડવા બાબતે કોઈ વિચાર કરી ન શકે. આ બાબતને ધ્યાનમાં રાખે કડક સજાની જોગવાઈ અત્યંત જરૂરી હોય, આ મુદ્દે તાકીદે અમલવારી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.