રૂ. 3.38 લાખનો મુદ્દામાલ કબજે: બુટલેગરની શોધખોળ 


જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 
ભાણવડ નજીકના માર્ગ ઉપરથી બુધવારે વહેલી સવારે પસાર થતી એક બલેનો કારને અટકાવી, પોલીસે ચેકિંગ કરતા આ કારમાંથી વિદેશી દારૂની 96 બોટલ મળી આવી હતી. જો કે કારચાલક નાસી છૂટવામાં સફળ થયો હતો.
      આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ભાણવડ પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન બુધવારના સવારના સમયે ભાણવડથી આશરે 8 કિલોમીટર દૂર ફતેપુર ગામથી સઈ દેવડિયા ગામ તરફ જતા બોડકી ગામના પાટીયા પાસેથી પસાર થતી જી.જે. 10 બી.એ. 3193 નંબરની બલેનો મોટરકારને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂની 96 બોટલ મળી આવી હતી. આ પોલીસ કાર્યવાહી દરમિયાન કાર ચાલક કાર મૂકી અને નાસી છૂટ્યો હતો.
    આથી પોલીસે રૂ. 38,400 ની કિંમતના વિદેશી દારૂ ઉપરાંત ત્રણ લાખની કિંમતની બલેનો મોટરકાર મળી કુલ રૂપિયા 3,38,400 નો મુદ્દામાલ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
      આ પ્રકરણમાં પોલીસે કાર ચાલક સહિતના સંડોવાયેલા મનાતા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.