જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં બેડી પોલીસ ચોકીના એએસઆઈ સામે ધાકધમકી આપીને મોટરસાયકલ તથા રોકડ રકમ પડાવી લેવા અંગે અદાલતમાં નોંધાયેલ ફરિયાદના અનુસંધાને પોલીસ તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. 

જામનગરમાં ફાઇનાન્સ પેઢી ચલાવતા વિશાલ વિનોદરાય ખખ્ખર પાસેથી ચંદન બથવાર નામનો શખ્સ બાઈક લેવા માટે આવ્યો હતું પરંતુ વિશાલભાઈએ એવું કહ્યું હતું કે આ બાઈક તારા માતા સાચવવા મૂકી ગયા છે તેની પરવાનગી અથવા તો બાઇકના માલિક કહે તો બાઈક પરત આપવામાં આવશે. પરંતુ ચંદને પોતાની વગનો ઉપયોગ કરીને બેડી પોલીસ ચોકીના એ.એસ.આઈ. સફીયા ભાઈનો સંપર્ક કર્યો હતો આથી સફીયાભાઈએ વિશાલ ખખ્ખરને ફોન કરી ગંભીર ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી બાઈક અને રૂ. દસ હજાર પોલીસ ચોકીમાં આપી જવા જણાવતાં ડરના કારણે બાઈક અને પૈસા પોલીસ ચોકીમાં આપી આવ્યા હતા. આ પછી તેણે આ બાબતે અદાલતમાં ફરિયાદ કરતા સિનિયર સિવિલ જજ ડી.બી. જોષીએ એ.એસ.આઈ. સફીયાભાઈ સામે તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ ક્રિપાલસિંહ જાડેજા કુલદીપસિંહ ચૌહાણ રોકાયા છે.