જામનગર જિલ્લામાં 13 નવા પશુ દવાખાના બનશે: રાઘવજીભાઈ પટેલ  

જામનગર મોર્નિંગ - જામનગર 


રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ખસીકરણ ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિમંત્રીના હસ્તે ગીર ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રીએ ખસીકરણ સહ મેજર કેમ્પની મુલાકાત લીધી હતી, તેમજ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માહિતી- માર્ગદર્શન આપ્યું હતું. શ્રી જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે પશુઓને પીવાના પાણીનો હવાડો અને નવનિર્મિત આંતરિક રસ્તાના કાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.  

કૃષિમંત્રીએ તેમના પ્રાસંગિક ઉદ્દ્બોધનમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અત્યારે કુલ ૩૩ પશુ દવાખાના અને ૧૭ પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપલબ્ધ છે. જામનગર જિલ્લામાં ૧૦ ગામ દીઠ ૧ મોબાઈલ પશુ દવાખાનાની સેવા ઉપલબ્ધ છે. અત્યારે ૧૮ જેટલા મોબાઈલ પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ જિલ્લામાં નવા ૧૩ પશુ દવાખાના બનાવવામાં આવશે.

કૃષિમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, રાજ્યમાં રૂ.૨૪ કરોડના ખર્ચે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના કાર્યરત છે. કરુણા સહાય અભિયાન '૧૯૬૨' હેલ્પલાઇન હેઠળ અનેક અબોલ પશુઓની સારવાર કરવામાં આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૭ થી તા.૧ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. 

કૃષિમંત્રીએ તેમના પ્રવચનમાં આગળ જણાવ્યું હતું કે રૂ.૫૦૦ કરોડનું માતબર બજેટ ધરાવતી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ રાજ્યના બિન વારસુ ઢોરની સાર સંભાળ રાખવાના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે. રાજ્ય પશુપાલન ખાતા દ્વારા મરઘાં વિકાસ યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્‍યવસ્‍થા, ઘેટાં વિકાસ યોજના, બકરાં વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વિમા સહાય યોજના વગેરે જેવી યોજનાઓ-કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે. સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા સંદેશ આપ્યો હતો. 

શિબિર સત્રમાં કૃષિમંત્રીએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ લતીપુર ગૌસેવા ટ્રસ્ટને રૂ.૧૪.૭૮ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. બકરા એકમ સહાય હેઠળ લાભાર્થી હેમંતભાઈ બામ્ભવાને રૂ.૪૫,૦૦૦ ની સહાય અને પાવર ડ્રિવન ચાફકટર સહાય યોજનાના લાભાર્થી વાલીબેન ભીમાણીને રૂ.૧૮,૦૦૦ ની સહાય અર્પણ કરી હતી. પશુ સારવાર કેમ્પમાં ૯૫૦ જેટલા બીમાર પશુઓની સારવાર કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું ફળ ટોકરી, મોમેન્ટો આપીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, લતીપુર ગ્રામ સરપંચ હસમુખભાઈ સરવૈયા, સંયુક્ત પશુપાલન નિયામક- રાજકોટ વિભાગ ડો. બી. એલ. ગોહિલ, અધિક પશુપાલન નિયામક ડો. કિરણ વસાવા, જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડો. તેજસ શુકલ, પ્રાંત અધિકારી  વિપુલ સાકરીયા, આગેવાન સર્વઓ  રસિકભાઈ ભંડેરી, દેવકરણભાઈ, ગણેશભાઈ મૂંગરા, જે. ડી. પટેલ, લાભાર્થીઓ, ૬૩૨ જેટલા પશુપાલકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.