દ્વારકાને કેન્દ્ર સરકારની વધુ એક ભેટ: કેન્દ્ર સરકારની કુલ 13 સ્થળો પર ઉતરી પસંદગી  

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


કેન્દ્ર સરકારે પસંદ કરેલી 13 પૈકી દ્વારકા જિલ્લાની 3 દિવાદાંડીનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાશે. જેની જાહેરાત કરતા આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

હાલમાં કેન્દ્ર સરકારના જળ મંત્રાલય દ્વારા રાજ્યમાં 13 સ્થળોએ જુની દિવાદાંડીને દરિયા કાંઠાના સ્થળોએ કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા આયોજન કરવામાં આવ્યું હતું. 

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની રજૂઆત તથા પ્રયાસોથી 13 મંજુર થયેલી દિવાદાંડી પ્રવાસન સ્થળોમાં પણ દ્વારકા જિલ્લાના સ્થળોનો સમાવેશ થયો છે. જેથી દ્વારકા જિલ્લામાં પણ પ્રવાસન સ્થળોનો વિકાસ થશે.

ઓખાના દરિયા કાંઠે આવેલા શામિયાણી દિવાદાંડી, ઓખા દિવાદાંડી તથા કચ્છીગઢ (શિવરાજપુર) દિવાદાંડીનો સમાવેશ થયો છે. બે ઓખાની તથા એક શિવરાજપુર એમ ત્રણ દિવાદાંડીનો પ્રવાસન સ્થળો તરીકે વિકાસ થશે.

દ્વારકા જિલ્લાના આ ત્રણ દિવાદાંડી સ્થળો જોઈએ તો ઓખા પાસેની શામિયાણી દિવાદાંડી આશરે સો વર્ષથી જુની દિવાદાંડી છે. જેને કેન્દ્ર સરકાર દ્વારા 75 વર્ષ પછી રીનોવેશન કરવામાં આવી હતી. ઓખા દિવાદાંડીને પણ આધુનિકરણ કરવામાં આવેલું તથા અનેક સિસ્ટમો પણ તેમાં નાખવામાં આવી છે તથા નજીકમાંથી પસાર થતા વહાણોનો રેકોર્ડ ઓળખ મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કચ્છીગઢ દિવાદાંડી જે જુના નામથી ઓળખાય છે તે હાલના બ્લુફ્લેગ આંતરરાષ્ટ્રીય સ્થળ શિવરાજપુર બીચમાં આવેલી છે. ત્યાં અગાઉ ગેસની ચાલતી દિવાદાંડી હતી. જુના રાજાશાહી સમયમાં ત્યાંથી પસાર થતાં વહાણોને કંઈ પરેશાન ના થાય તે માટે ત્યાં ગઢ જેવું બનાવીને પોલીસ ચોકી રાખવામાં આવી હતી. જેમાં ફરજના પોલીસ કામ કરતા હોય કચ્છીગઢ દિવાદાંડીનું નામ પડ્યું છે તે આજનું શિવરાજપુર છે.


અગાઉ દિવાદાંડીની ફ્લેશ કેટલા સમયમાં નીકળે છે તેના પ્રકાશ પરથી અરબી સમુદ્રમાં નીકળતા વહાણચાલકોને તેઓ ક્યા સ્થળે પહોંચ્યા તે ખબર પડે તથા કાંઠાપાસે ભટકાઈ ના જાય તે માટે દિવાદાંડી માર્ગદર્શનનું કામ કરતી હતી. દરેક દિવાદાંડીની ફ્લેશ લાઈટો આજે પણ અલગ અલગ સમયમાં રાત્રે ફ્લેશ કરે છે તો દિવાદાંડીના આકાર પણ અલગ અલગ ગોળ, ચોરસ, લંબગોળ, ચતુષ્કોણ, સષ્ટકોણ જેવા હોય છે તે તેની અલગ ઓળખ બતાવે છે.

અગાઉ માત્ર સ્થળની ઓળખ આપતી દિવાદાંડી હવે તો અનેક ચેકીંગ સિસ્ટમો સાથે આઠ જેટલી યાંત્રિક પદ્ધતિઓ સાથે જાણકારી આપે છે, ત્યારે અગાઉ દ્વારકા દિવાદાંડીના વિકાસ કાર્ય મંજુર થઈ ગયેલા જે હાલ ચાલુ છે ત્યારે વધુ ત્રણ દિવાદાંડીનો પર્યટન સ્થળ તરીકે વિકાસ જાહેર થતાં લોકોમાં આનંદ ફેલાયો છે, તો કેન્દ્ર સરકારના આ નિર્ણયને સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યના પ્રવાસી મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા પણ આવકારદાયક ગણાવાયો છે.