બાળકીને હોમ આઈસોલેશનમાં રખાય: જયારે પોઝીટીવ મહિલા લાપતા થઈ જતા શોધખોળ હાથ ધરાઈ 

જામનગર મોર્નિંગ - જામનગર    


જામનગર શહેરમાં ઘણા લાંબા સમય પછી કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ છે, અને ચાર મહિનાની એક બાળકી તથા 35 વર્ષ ની એક મહિલાના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. બાળકીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે, જ્યારે 35 વર્ષની મહિલા એકાએક લાપતા થઈ હોવાથી મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તેણીને શોધી રહ્યું છે. ઉપરાંત શહેરના બેડી વિસ્તારમાં બે દિવસ દરમિયાન 27 કોવિડ સેમ્પલો લેવામાં આવ્યા છે.

જામનગર શહેર માં લાંબા સમયના વિરામ પછી કોરોનાની ફરીથી એન્ટ્રી થઈ છે. જામનગરના બેડી વિસ્તારમાં ચાર વર્ષની એક બાળકી કે જેને તાવ આવતો હોવાથી જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર માં સારવાર અર્થે લાવવામાં આવી હતી જે દરમિયાન તેણીનું કોવિડ સેમ્પલ લેવાયું હતું, જેનો ગઇકાલે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જે બાળકીને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે, અને તેના પરિવાર અને આસપાસના વિસ્તારના 17 લોકોના સેમ્પલો લેવા આવ્યા છે.

જોકે બાળકીના માતા સહિત અન્ય તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત બેડી વિસ્તારમાં જ રહેતી 35 વર્ષની એક મહિલા કે જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જે મહિલા હાલ પોતાનું ઘર છોડીને ચાલી ગઈ હોવાથી મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટુકડી તેણીની શોધખોળ ચલાવી રહી છે. જે મહિલા બેડી વિસ્તારની વતની છે, જેના લગ્ન જામનગર ના નવા ગામ ઘેડ વિસ્તારમાં થયા હતા, અને પોતાના પતિ ગ્રહેથી રિસાઈ ને માવતરે બેડી વિસ્તારમાં આવી હતી. દરમિયાન તેણીને તાવ આવતો હોવાથી મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધ્યો હતો, અને તેનું કોવિડ સેમ્પલ લેવાતાં જેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જે રિપોર્ટ ની જાણકારી મળે તે પહેલાં તે યુવતી પોતાના માવતર થી ફરીથી ચાલી ગઈ હતી. જેથી જામનગર પાલિકાનું આરોગ્ય તંત્ર તેણીને શોધી રહ્યું છે. ઉપરાંત આસપાસના વિસ્તારના તથા યુવતીના પરિવારના 10 સેમ્પલો લેવામાં આવ્યા છે. જોકે તમામ સેમ્પલો નેગેટિવ આવ્યા છે. પરંતુ મહાનગરપાલિકાની ટીમ આરોગ્ય વિષયક પગલાં ભરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 94 દિવસ પહેલા જામનગર શહેરમાં કોરોનાનો કેસ નોંધાયો હતો.