માતૃભૂમિની રક્ષા માટે સૈનિક સ્કૂલ વિદ્યાર્થીઓના જીવનનું સાચું ઘડતર કરે છે

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના બાલાચડીમાં આવેલ સૈનિક સ્કૂલ અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે જામનગર મોર્નિંગ એ ખાસ મુલાકાત કરીને તેઓના શિક્ષણ વિશે વાતચીત કરી હતી.

સૈનિક સ્કૂલ બાલાચડીની વિદ્યાર્થી જીયા દોષીએ જામનગર મોર્નિંગ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે હું અહીં છઠા ધોરણમાં અભ્યાસ કરી રહી છું. સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ કરવા માટેનો મારો હેતુ છે કે હું નેશનલ ડિફેન્સ એકેડમી મારફત આર્મી ઓફિસર બનવા માંગુ છું. જે માટે મને અહીંનું શિક્ષણ પસંદ આવ્યું છે અહીં શિક્ષણ ની સાથે સાથે અમોને નિયમિત હોર્સ રાઇડીંગ, પરેડ, પી.ટી. સહીત અનેક ફિઝિકલ એક્ટિવિટી કરાવવામાં આવે છે. જેનાથી અમે આર્મી ઓફિસર બનવા માટે શારીરિક રીતે ફિટ થઇયે.

સૈનિક સ્કૂલ બાલાચડીની બીજી વિદ્યાર્થીની એ પણ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે સૈનિક સ્કૂલ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના જીવનનું સાચું ઘડતર કરે છે. જો દીકરાઓ આર્મી કે ડિફેન્સમાં ઓફિસર બની શકતા હોય તો દીકરીઓ પણ આમાં પાછળ ના રહેવી જોઈએ દીકરીઓ પણ સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરીને આર્મી સહીત ડિફેન્સમાં ઉચ્ચ પદ પર ખંભે સ્ટાર લગાવી શકે છે.

તેઓની દિનચર્યા અંગે વાત કરતાં જણાવે છે કે અમે સવારે સાડા પાંચ વાગ્યે ઉઠીને ગ્રાઉન્ડમાં પી. ટી. એક્ટિવિટી માટે જઇયે છીએ છ વાગ્યે પરત આવી સવારનો નાસતો કરીને શાળાએ જઇયે અને બપોર સુધી શિક્ષણ કાર્ય ત્યારબાદ થોડો સમય આરામ કરીને ફરીથી ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ પતાવી થોડો વિશ્રામ કરીને સાંજનું જમવાનું એ પતાવી અમારૂ શાળાકીય હોમવર્ક એ કરીયે છીએ અને રાત્રે સાડા દસ વાગ્યે અમારી લાઈટ બંધ થાય છે.

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે દરેક દીકરીઓએ આગળ આવવું જોઈયે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરીને તેઓએ માતૃભૂમિ માટે અને પોતા માટે કંઈક કરવું જોઈએ સૈનિક સ્કૂલ બાલાચડી તેમને આ અંગે જોશ, ઝનૂન અને ઘડતર પુરૂ પાડશે.