નવાનાગનાના શખ્સે મહિલાઓને એજન્ટ બનાવી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું: આ શખ્સ સામે અગાઉ પણ ચીટીંગની અરજી થઈ ચુકી છે   

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના નવાનાગના ગામમાં રહેતા એક શખ્સે રોકાણના નામે અનેક લોકોને સીસામાં ઉતારી આશરે એકાદ કરોડ ઉપરાંતનું ફુલેકુ ફેરવી નાશી ગયો હતો, જે શખ્સ ગઈકાલે એકાએક પ્રગટ થતા સ્થાનિક રહેવાસી મહિલાઓએ એકત્ર થઈને તેને પકડી પોલીસ મથકમાં રજૂ કર્યો હતો જે  મામલામાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. 

મળતી વિગત મુજબ જામનગર નજીક નવાનાગના ગામમાં રહેતો દિનેશ સવજીભાઈ રાઠોડ નામનો શખ્સ કે જેને લઈને ગઈકાલે રાત્રે સ્થાનિક મહિલાઓનું ટોળું સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યું હતું અને દિનેશ રાઠોડને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પોતાને રોકાણને બહાને એજન્ટ બનાવી અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે અને પોતે છેલ્લા કેટલા સમયથી રફુચક્કર થઇ ગયો હતો જેથી પોલીસે દિનેશ રાઠોડને બેસાડીને પુછપરછ હાથ ધરી છે. નવાનાગના ગામ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ કે જેઓના જણાવ્યા અનુસાર દિનેશ રાઠોડ મહિલા એજન્ટો મારફતે રોકાણના નામે પૈસા ઉઘરાવતો હતો તેણે એસટી ડેપો સામે ઓફિસ ખોલી હતી અને રોકાણના નામે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું અને એજન્ટોની નિમણુંક કરી હતી. જેણે જામનગર શહેરના કેટલાક લોકો ઉપરાંત ખંભાળિયા, રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં પણ રોકાણના નામે પૈસા ઉઘરાવી લીધાનું જાણવા મળી રહ્યું છે. 

અંદાજે દોઢેક કરોડ રૂપિયા ઉઘરાવીને પોતે લાપતા બની ગયો હતો, દરમિયાન નાગના ગામની સ્થાનિક મહિલાઓએ તેને શોધી કાઢી સીટી બી ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દીધો હતો. સીટી બી ડિવિઝનના પીઆઈ એચ.પી. ઝાલા તથા ડી સ્ટાફના પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા અન્ય પોલીસ સ્ટાફ ફવરા દિનેશ રાઠોડની પુછપરછ ચલાવવામાં આવી રહી છે અને આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનું માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં તેની સામે અગાઉ સીટી એ ડિવિઝન પોલીસમાં ચીટીંગ અંગેની અરજી પણ કરાઈ છે જે સમગ્ર બાબતે ઉંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.