જીલ્લામાં બુથ અને સંગઠન મજબૂત કરીને પાર્ટીને નવી ઊંચાઈ આપીશું - મયુર ગઢવી

જામનગર મોર્નિંગ - ખંભાળીયા 

દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ નવનિયુક્ત પ્રમુખ મયુરભાઈ ગઢવી સાથે જામનગર મોર્નિંગ એ શુભેચ્છા મુલાકાત કરી હતી. જે દરમિયાન મયુરભાઈ એ જણાવ્યું હતું કે મને પાર્ટી એ જે જવાબદારી આપી છે તે કર્મઠ અને નિષ્ઠાપૂર્વક નિભાવીશ. જીલ્લાના દરેક બુથ અને મંડળને સશક્ત બનાવવા માટેના વિઝન સાથે કામ કરીશું.

ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને તેઓના કાર્યો દરેક બુથ સુધી પહોંચે તે માટે સક્રિય બુથ સમિતિ બનાવીશું. સ્થાનિક સ્વરાજ્ય, રાજ્ય અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એનો શ્રેય બુથ અને કાર્યકરોને જાય છે જો બુથ અને કાર્યકર પાર્ટીની વિચારધારાને સમર્પિત હશે તો તેનું સારૂ પરિણામ મળશે માટે દરેક બુથને સશક્ત બનાવવા માટે પાર્ટીના અલગ અલગ કાર્યક્રમોનું બુથ સુધી અમલીકરણ કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના જે નબળા બુથ છે તેમાં કેમ સુધારાઓ કરી શકાય તે અંગે સ્થાનિક કાર્યકરો સાથે ચર્ચા કરીને તે અંગે ઘટતું કરવું તેમજ આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ અને લોકસભા 2024 માટે અમારી ટીમ પાર્ટીની વિચારધારા સાથે સ્માર્ટવર્ક કરી રહી છે. મહત્તમ બુથમાં પાર્ટીને મહત્તમ માર્જિન મળે એ દિશામાં અમે કાર્યરત છીએ. ભારતીય જનતા પાર્ટી ટોચથી લઈને છેવાડાના લોકો સુધીના લોકો માટે કામ કરતી પાર્ટી છે. વચનબદ્ધતા અને કર્તવ્ય નિષ્ઠા એ અમારો પાયાનો ગુણ છે. જેના પર કામ કરીને જીલ્લામાં પાર્ટીને વધુ ઊંચાઈ અપાવવાની નેમ સાથે કામ કરી રહ્યા છીએ.