દ્વારકામાં એટીએમમાંથી ચોરી કરવા સબબ બે શખ્સોને ઝડપી લેવાયા

કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીએ પાસવર્ડ જાણીને ચોરીને આપ્યો અંજામ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દ્વારકામાં આવેલા બેન્ક ઓફ બરોડાના એટીએમમાંથી રૂપિયા નવ લાખની ચોરી થયાના બનાવમાં સ્થાનિક પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આ બેંક માટે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી એવા એક શખ્સ તથા તેના મિત્રની ગણતરીના કલાકોમાં અટકાયત કરી લીધી હતી.

 આ સમગ્ર પ્રકરણને પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં ટાઉન વિસ્તારમાં આવેલા બેન્ક ઓફ બરોડાના એ.ટી.એમ.માંથી ગત રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે ચાવી તથા પાસવર્ડ વડે રૂપિયા સાત લાખની ચોરી થયાનો બનાવ બનવા પામ્યો હતો. જે અંગે બેંકના મેનેજર દ્વારા આજરોજ સ્થાનિક પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ગંભીર પ્રકરણ અંગે અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન મુજબ દ્વારકાના પી.આઈ., એલ.સી.બી. પી.આઈ. તથા સ્થાનિક પી.એસ.આઈ. બારસીયાની મળી કુલ ત્રણ ટીમ દ્વારા દ્વારકા વિસ્તારમાં ફીટ કરવામાં આવેલા જુદા જુદા સીસીટીવી કેમેરા તેમજ ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પગેરુ દબાવીને આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી. આ ચોરી પ્રકરણમાં જી.જે. 37 એચ 4089 નંબરના હોન્ડા મોટરસાયકલનો ઉપયોગ થયો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, આ પ્રકરણમાં મીઠાપુર ખાતે રહેતા પાર્થ હિંમતભાઈ ભાયાણી તથા તેના મિત્ર પારિતોષ જગદીશભાઈ ખરા નામના બે શખ્સોની અટકાયત કરીને આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સોએ બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

બાદમાં પોલીસે આ બંને આરોપીઓ પાસેથી ચોરીથી મેળવેલા રૂપિયા નવ લાખની રોકડ રકમ કબજે કરી, આ બંને શખ્સો સામે ગુનો નોંધી પી.એસ.આઈ. એ.એલ. બારસીયા દ્વારા અન્ય તપાસ હાથ ધરવામાં આવી છે.


વધુમાં જાણવા મળતી વિગત મુજબ આરોપી પાર્થ હિંમતભાઈ ભાયાણી બેંકના એટીએમમાં પૈસાની લેતી-દેતી સંદર્ભે અધિકારી-સ્ટાફ સાથે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતો હતો અને તેણે પૈસા લોડ કરતી વખતે એ.ટી.એમ. મશીન ખોલવા-બંધ કરવા અંગેનો પાસવર્ડ મેળવી, પોતાની પાસે રહેલી એ.ટી.એમ. મશીનની ચાવીની મદદથી મધ્યરાત્રીના સમયે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ચોરી દરમિયાન તેને ધ્યાન રાખવા માટે તેના મિત્ર પારિતોષ ખરાની મદદ લીધી હતી.

આમ, પોલીસે બેંક ચોરીની ઘટનામાં તાકીદની કાર્યવાહી કરી, ગણતરીની કલાકોમાં આરોપીઓને દબોચી લીધા હતા. આ સમગ્ર કાર્યવાહી દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર, પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ પી.એસ.આઈ. એ.એલ. બારસીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.