વિદ્યાર્થીની હત્યા નિપજાવનાર તેના બે મિત્રો ત્રણ દિવસના રિમાન્ડ પર: હત્યામાં વપરાયેલું ઇન્જેક્શન-દુપટ્ટો કબજે લેવાયા

જામનગરમાં 11માં ધોરણના વિદ્યાર્થીનું અપહરણ કરી હત્યા નિપજાવવાના પ્રકરણમાં સજાતીય સંબંધો કારણભૂત

મૃતક યુવાન ઉત્તેજિત થઈ જતો હોવાથી જ્યારે આરોપી ઉત્તેજિત થતો ન હોવાથી રાગ દ્વેષ રાખી તેનું કાસળ કાઢી નાખ્યું

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં મોહનનગર આવાસમાં રહેતા અને ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીનું તેના જ બે મિત્રો દ્વારા અપહરણ કરાયા પછી સુવરડા ગામની સીમમાં લઈ જઈ ઝેરી ઇન્જેક્શન આપી ગળે ટૂંપો દઈ હત્યા નિપજાવી હતી, અને પેટ્રોલ છાંટી મૃતદેહને સળગાવી નાખી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. જે બંને હત્યારા આરોપીઓની પોલીસે ધરપકડ કરી લઈ ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે. હત્યારા આરોપી અને મરનાર વચ્ચે સજાતીય સંબંધો કારણ ભૂત હોવાનું અને મૃતક ઉત્તેજિત થઈ જતો હોવાથી જ્યારે આરોપી ઉત્તેજિત થતો ન હોવાથી રાગદ્વેષ રાખી તેનું કાસળ કાઢી નાખ્યાનું સામે આવી રહ્યું છે.

આ સનસનીખેજ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૫માં બ્લોક નંબર ૩૦૨માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયાના ૧૭ વર્ષના પુત્ર હાર્દિકનું બે દિવસ પહેલા અપહરણ થયું હતું, અને તેના જ બે મિત્રો એવા શુભમ નિલેશભાઈ પરમાર અને ખુશાલ મનીષભાઈ બારડ દ્વારા અપહરણ કરાયું હતું અને સુવરડા ગામની સીમમાં લઈ જઈ સૌપ્રથમ તેને ઝેરી દવા વાળું ઇન્જેક્શન આપી દીધું હતું, ત્યારબાદ ઓઢણી વડે ગળે ટૂંપો દઇ વારા ફરતી બનેએ ગળું દબાવી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ મૃતદેહ પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દઇ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આખરે પાપ છાપરે ચડીને પોકાર્યું હતું, અને સમગ્ર અપહરણના બનાવ પરથી પડદો ઉચકાયો હતો. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવતા આરોપી પોતાના બાઈકમાં જ હાર્દિકને ત્યાથી લઈ ગયો હોવાનું ધ્યાનમાં આવી ગયું હતું., અને શુભમ તથા ખૂશાલ હાર્દિકને ત્રણ સવારીમાં લઈ જતા હોવાના પણ ફુટેજ જોવા મળ્યા હતા. જેથી સમગ્ર બનાવની કડી મળી ગઈ હતી અને પોલીસ હત્યારા આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી. જે બંને હત્યારા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કર્યા પછી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા છે.

સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમાં આરોપી અને મરનાર વચ્ચે સજાતીય સંબંધ કારણ ભૂત હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી શુભમ કે જે પોતે સજાતીય સંબંધ ધરાવતો હોવાથી મરનારને પોતાને સાથે રાખીને છેલ્લા એકાદ વર્ષથી એકબીજા સાથે શારીરિક ચેષ્ટાઓ કરી હસ્તમૈથુન કરાવતા હોવાનું કબુલી લીધું છે. જેમાં મૃતક યુવાન ઉત્તેજિત થઈ જતો હતો, પરંતુ આરોપી શુભમ ઉત્તેજિત થઈ શકતો ન હોવાથી હંમેશા જેલસી અનુભવતો હતો. આ પ્રક્રિયામાં છેલ્લા ચાર માસથી ખુશાલ બારડ પણ જોડાયો હતો, અને વારાફરતી મૃતક યુવાન સાથે કુચેષ્ટાઓ કરતા રહ્યા હતા. આખરે છેલ્લા દસેક દિવસથી શુભમેં હાર્દિકની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, અને ખુશાલ સાથે મળીને તેઓએ જી.જી. હોસ્પિટલની સામે આવેલી એક દવાની દુકાનેથી ઇન્જેક્શન તેમજ ઝેરી દવાની શીશીની ખરીદી કરી હતી, અને પોતાની સાથે રાખતા હતા. ઉપરાંત ગળે ટૂંપો દઈને હત્યા કરવા માટે ખુશાલે તેની માતાની ઓઢણી પણ સાથે રાખી હતી, અને તેઓએ એક બેગમાં તમામ સામાન ભેગો કરીને રાખ્યો હતો. સાથો સાથ હત્યા કર્યા પછી તે ડેડ બોડી સળગાવી નાખવા માટે પેટ્રોલ પણ ખરીદ કરીને સાથે રાખ્યું હતું. જે પણ એક બેગમાં રાખ્યું હતું.

હત્યાના બનાવના દિવસે એટલે કે હાર્દિકનું જે દિવસે અપહરણ કરાયું ત્યારે સૌ પ્રથમ શુભમ આવાસના બિલ્ડિંગ પાસેથી હાર્દિકને સ્કૂલે મુકવાનું કહીને પોતાના બાઈકમાં બેસાડીને નીકળ્યો હતો, પછી અગાઉથી કરેલા પ્લાન મુજબ ખુશાલને પણ સાથે લઈ લીધો હતો અને હત્યા નિપજાવવા માટેનો  સામાન સાથે નો થેલો લઈને ખુશાલ ભેગો જોડાયો હતો, જે ત્રણ સવારીમાં બાઈક પર નીકળ્યા હતા, અને સુવરડા ગામની સીમ સુધી પહોંચી ગયા હતા, જેના સીસી ટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે જ્યાં સૌપ્રથમ બન્ને આરોપીઓએ હાર્દિકને શરદી થઈ છે અને શરદી મટી જાય તે માટે ઇન્જેક્શન લીધું છે તેમ કહી જે દવા વાળું ઇન્જેક્શન લગાવી દીધું હતું, જેથી હાર્દિકને ખંજવાળ ઉપડી હતી, અને ફરિયાદ કરવા લાગ્યો હતો.

દરમિયાન ખુશાલે પોતાના થેલામાંથી ઓઢણી કાઢી અને હાર્દિકને ગળે ટૂંપો દઈ દીધો હતો. તે દરમિયાન તળફળીયા મારવા લાગતાં ખુશાલ થોડો ગભરાઈ ગયો હતો. ત્યારબાદ ઓઢણી લઈને શુભમે વધારે ભીંસ લગાવી હાર્દિકને પૂરો કરી નાખ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ થેલામાં રાખેલો પેટ્રોલ ભરેલો સીશો, કે જે સીસામાંથી પેટ્રોલ હાર્દિકના મૃતદેહ પર છાંટી દિવાસળી ચાંપી ત્યાંથી ભાગી છુટ્યા હતા. પોલીસને બનાવના સ્થળેથી ડેડ બોડીની બાજુમાંથી ઇન્જેક્શન, દુપટ્ટો તથા પેટ્રોલની બોટલ વગેરે ચીજ વસ્તુઓ પુરાવાના ભાગરૂપે મળી આવી છે, જે પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી છે, અને બંને આરોપીઓની વિશેષ પૂછપરછ ચલાવાઈ રહી છે.

હાર્દિકની હત્યા નિપજાવ્યા પછી જામનગર આવીને શુભમે તેને શોધવા માટે જોડાવાનું નાટક કર્યું

હાર્દિકની ગુમ થવા અંગેની ફરિયાદ લખાવવા માટે હાર્દિકના પિતા સાથે દરબારગઢ પોલીસ ચોકીમાં પણ સાથે જોડાયો 

જામનગરમાં ૧૧ માં ધોરણના વિદ્યાર્થી હાર્દિકની હત્યા નીપજાવ્યા પછી શુભમ અને ખુશાલ જામનગર આવી ગયા હતા, અને ખુશાલ તેના ઘેર ચાલ્યો ગયો હતો. જ્યારે શુભમ હાર્દિકના પિતા ને મળીને હાર્દિકને શોધવા માટે મદદમાં જોડાયા હતો. સૌપ્રથમ જામનગર શહેરમાં શોધખોળ કર્યા પછી  દરબાર ગઢ પોલીસ ચોકીમાં પોલીસ ફરિયાદ કરવા માટે પણ સાથે આવ્યો હતો, અને પોલીસને હાર્દિકના ગુમ થવા અંગેની જાણ કરી હતી. ત્યારબાદ રાત્રિના હાર્દિકના પિતા ફરીથી પોલીસમાં મથકે આવ્યા હતા, ત્યારે સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતાં, અને  શુભમના પિતા ના નામે નોંધાયેલું મોટરસાયકલ કે જેમાં હાર્દિકને લઈ જતો જોવા મળ્યો હોવાથી શુભમ પર પોલીસની શંકા મજબૂત થઈ હતી, અને રાતના સમયે જ શુભમને ઉઠાવી લીધો હતો, અને સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો.