વિડીયો શૂટ કરીને બ્લેકમેલ કરતો, શારીરિક-માનસિક ત્રાસ વધી જતા અંતે ફરિયાદ નોંધાઈ: ઉદ્યોગપતિએ હાલ તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો: મામલો રફેદફે કરવા રાજકીય મંધાતાઓ મેદાનમાં આવ્યા હોવાની ચર્ચા  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં એક મહિલાએ ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને પોતાની કારમાં એક વીલા માં લઈ જઈને બેભાન કરનારૂ પ્રવાહી ભેળવી કોલ્ડ્રીંક પીવડાવ્યું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તે અંગત પળોના ફોટા તેમજ વિડીયો શૂટિંગ કરી બ્લેકમેલ કરતો હતો. આરોપીએ અંબર ચોકડી પાસે આવેલી પોતાની ઓફિસમાં પણ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 
ફરિયાદ મુજબ મહિલાને લોનની જરૂરિયાત હતી અને તે સંદર્ભે આરોપી ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ વાતચીત શરૂ થઇ અને આરોપીએ મહિલા સાથે પરિચય કેળવી વિશ્વાસમાં લીધી હતી. ફેબ્રુઆરી માસમાં આરોપીએ મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી હતી. 
આરોપી પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને મહિલાને એક વીલામાં લઇ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન આરોપીએ મહિલાને કોલ્ડ્રીંક પીવા આપ્યું હતું. આ કોલ્ડ્રીંક પીધા બાદ મહિલાનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેણી બેભાન અવસ્થામાં સરી પડી. આરોપીએ મહિલાની આ સ્થિતિ અને એકલતાનો લાભ લઇ તેની ઈચ્છા અને મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 
દુષ્કર્મ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા તેમજ વિડીયો ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયોના આધારે આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે મહિલાને ઓફિસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. 
ફરિયાદમાં ગુજસીકોટના આરોપી અને શહેરમાં પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા સહિતના નામોનો ઉલ્લેખ થતા પોલીસ ગંભીરતાથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્યું છે કે આરોપી ઉદ્યોગપતિ હોવાથી તેના અનેક અસામાજિક ઈસમો સાથે સંપર્ક છે અને બધે જ તેના સંબંધો અને લાગવગ છે. તેનો એક મિત્ર જામનગરના ગુજસીકોટના ગુનામાં જેલમાં પણ રહી ચુક્યો છે. 
આ બધા લોકોથી ડરીને તે હિંમત કરી શકી ન હતી અને સતત ડિપ્રેશન તથા પીડામાં રહેતી હતી. આત્મહત્યાના વિચારો આવતા હોવા છતાં પુત્રના ભવિષ્યને કારણે તે આવું પગલું ભરી શકી ન હતી અને આરોપી મને બ્લેક મેઈલિંગ કરવાની ધમકી આપી મારૂ શારીરિક શોષણ કરી રહ્યો હતો તેણે તેમના વીક એન્ડ હોમમાં તેમજ તેમની ઓફિસમાં અનેક વખત મારી સાથે મારી મરજી તેમજ ઈચ્છા વિરૂધ્ધ શારીરિક સંબંધો બાંધી સતત દુષ્કર્મ આચરતો હોય જેથી આરોપીના માનસિક તેમજ શારીરિક શોષણમાંથી છૂટવા હિમંત કરીને તેમની સામે આ ફરિયાદ દાખલ કરવા આવેલ છે.