જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દિવાળીની રાતે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સામસામે હુમલામાં સાત વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને તમામને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ બનાવના પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું, અને બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જામનગર શહેરના ૩૧ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દિવાળીના તહેવારે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણમાં શસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું. જે બનાવ માં બન્ને જૂથ ના ૭ જેટલા લોકો ઘાયલ થયા હતા, અને ભારે અફડા તફડી અને દેકારો બોલી ગયો હતો. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ. નિકુંજસિંહ ચાવડા સાથે પોલીસ ટીમ હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ સ્થિતિ કાબૂમાં લેવાઇ હતી.
આ બનાવની જાણ થતા વાલ્મીકિ સમાજ ના અગ્રણીઓ, અને ઇજાગ્રસ્તના પરિવારજનો મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પોલીસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મારામારીમાં બંને પક્ષે ઇજાગ્રસ્ત બનેલા વાઘેલા શૈલેષભાઇ, વાઘેલા દેવેન્દ્રભાઈ, વાઘેલા ભાર્ગવભાઈ, માધવ વાઘેલા, જય ધબા, કોમલ ધબા, અને મહેન્દ્ર ધબા વગેરે ને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
0 Comments
Post a Comment