સિટી સી ડિવિઝન પોલીસે ચોરાઉ મુદ્દામાલ સાથે જામનગરની તસ્કર બેલડીને ઝડપી લીધી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં દલિત નગર વિસ્તારમાં એકી સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી તસ્કર બેલડીને ઝડપી લીધી છે, અને તમામ ચોરાઉ સામગ્રી કબજે કરી લીધી છે.
જામનગરના દલિત નગરમાં રહેતા વિશાલભાઈ મનજીભાઈ પરમાર નામના યુવાને પોતાના મકાનમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી એક લેપટોપ તેમજ દસ હજારની રોકડ રકમ, અને ચાંદીના સિક્કા તેમજ સાંકળા સહિતની સામગ્રીની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. આ ઉપરાંત તેના પાડોશમાં જ રહેતા કમલેશભાઈના રહેણાંક મકાનને પણ નિશાન બનાવી લઇ તેમાંથી ડીવીડી પ્લેયર તથા એક ટીનનો ડબ્બો ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે બાજુમાં રહેતા ત્રીજા પાડોશી રાજુભાઈના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અને અંદરથી ૨૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
જે અંગે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ ટુકડી હરકતમાં આવી હતી, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને સીટી સી ડિવિઝન સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, હર્ષદભાઈ પરમાર અને હોમદેવસિંહ જાડેજાને મળતા પીઆઇ આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.બી. બરબસીયાની સૂચનાથી જામનગરમાં બાવરીવાસમાં રહેતા અર્જુન વિજયભાઈ કોળી-બાવરી, તેમજ રોહિત જીવણભાઈ ડાભી-બાવરીને ઝડપી લીધા હતા. જેઓ પાસેથી રૂપિયા ૩૦,૦૦૦ની રોકડ રકમ, લેપટોપ, ચાંદીના સિક્કા, ચાંદીના સાંકળા, સોનાનો દાણો, ટીનનો ડબ્બો, ડીવીડી પ્લેયર સહિતની સામગ્રી કબજે કરી લીધી છે.
0 Comments
Post a Comment