જામનગર મોર્નિંગ - જામનગર.જામનગરના મોમાઈ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારીએ વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ ગયા પછી વ્યાજની પઠાણી ઉઘરાણીના કારણે પોતાનું ઘર છોડ્યું હતું અને આ મામલે 18 જેટલા વ્યાજ ખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી જે પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરી અત્યાર સુધીમાં કુલ આઠ વ્યાજખોરોને ઝડપી લેવાયા છે જયારે બે મહિલાઓ સહિત અન્ય 10ની શોધખોળ ચલાવાઈ રહી છે. 
જામનગરમાં મોમૈનગરમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા નિલેશભાઈ કરોલીયાએ વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈ ગયા પછી વ્યાજખોરોની ધાકધમકી લઈને ગત 7મી ડિસેમ્બરે પોતાનું ઘર છોડ્યું હતું જેનો આજદિન સુધી કોઈ પતો સાંપડ્યો નથી પરંતુ તેના ભાઈ દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 18 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવાઈ હતી જે પ્રકરણની તપાસ એસ.ઓ.જી.ને સોંપી દેવામાં આવી હતી, જે તપાસનો ધમધમાટ ચાલુ કરાયા પછી એસ.ઓ.જી. દ્વારા જામનગર અને મેઘપર તેમજ અલીયાબાડામાં રહેતા આઠ જેટલા વ્યાજખોરો જોરૂભા ભવાનસિંહ, રાજેન્દ્રસિંહ રાજભા તખુભા, ભરતસિંહ બચુભા ચુડાસમા (વેન વાળા), પરાક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા, પ્રવિણસિંહ કુલદીપસિંહ રાયજાદા, નીતિન સામજી મહેતા, દિલાવરસિંહ તખુભા પરમાર અને જ્યંતિભાઈ ગંગદાસભાઈ વસોયા વગેરેની ધરપકડ કરી લીધી છે, જો કે તમામને જામીન મુક્ત કરી દેવાયા છે. એસ.ઓ.જી. દ્વારા પ્રકરણમાં બે મહિલા સહિત અન્ય 10 આરોપીઓની શોધખોળ ચલાવાઈ રહી છે.