જામનગર મોર્નિંગ નવી દિલ્હી
આજે વહેલી સવારે એટલે કે ભારતીય સમય પ્રમાણે સાડા ત્રણ વાગે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવેલા બાલાકોટ સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ગોઝારો હુમલો કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ હુમલામાં કેમ્પ નાશ પામ્યો હતો અને 200 જેટલા આતંકીઓને ઢાળી દેવામાં આવ્યા હતા
પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે કરેલી કાર્યવાહી અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ મીડિયાને માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ભારતના હુમલામાં જૈશનો કમાન્ડર અને અનેક આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિદેશ સચિવે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ દેશમાં બીજો ફિદાયીન હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે ફિદાયીનને તાલિમ આપી રહ્યું છે. આ માટે તેની સામે કાર્યવાહી કરવી જરૂરી હતી. મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં આવેલા બાલાકોટ ખાતે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો હતો. અહીં આતંકીઓને હુમલા માટે તાલીમ આપવામાં આવી રહી હતી. વાયુસેનાએ કરેલા હુમલામાં મોટી સંખ્યામાં તાલીમાર્થી આતંકીઓ, જૈશનો સિનિયર કમાન્ડર અને ફિદાયીન હુમલાખોર માર્યા ગયા છે. વિદેશ સચિવે એવું પણ જણાવ્યું હતું કે, વાયુસેનાના હુમલામાં કોઈ સામાન્ય નાગરિક ભોગ ન બને તે માટે ખાસ આ ઠેકાણાની પસંદગી કરવામાં આવી હતી. જૈશનું આ ઠેકાણું જંગલ વિસ્તારમાં આવેલું છે. વિદેશ સચિવે જણાવ્યું કે, છેલ્લા બે દાયકાથી પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ સક્રિય છે. તેનો વડો આતંકી મસૂદ અઝહર છે. આ સંગઠને જ પઠાણકોટ એરબેઝ તેમજ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. ભારત સમયાંતરે જૈશના ઠેકાણા અંગેની માહિતી પાકિસ્તાનને આપતું રહ્યું છે. જોકે, ભારતે આ આતંકી સંગઠન પર લગામ લગાવવા માટે કોઈ જ પગલાં લીધા નથી.