જામનગર મોર્નિંગ - ભાણવડ : દરેક આપઘાત પાછળ કંઈક તો મજબૂરી કે લાચારીનું કારણ હોય છે એમ જ કોઈ મરવા માટે તૈયાર નથી થતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે શિવકૃપા વિધાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સેજલબેન રૂડાભાઈ કોડિયાતર જે શાળાની હોસ્ટેલમાં રહેતી હતી તેણીએ ગઈકાલ તા.13/04/2024ના રોજ વહેલી સવારે હોસ્ટેલમાં જ ગળાફાસો ખાઈ અને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 

ગુજરાતમાં વીતેલા 3 વર્ષમાં 25 હજારથી વધારે લોકો જેમાં 500 જેટલાં વિદ્યાર્થીઓએ આપઘાત કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. આપઘાતની દિનપ્રતિદિન વધતી જતી ઘટનાઓમાં સરકાર કે પોલીસ જોઈએ એટલા પ્રમાણમાં દરેક કેશમાં તપાસ કરતી ના હોય તેવો સુર સતત ઉઠી રહ્યો છે. દરેક આપઘાત પાછળ કંઈક મજબૂરી કે લાચારી હોય છે એમનામ માણસ પોતાની જાતે મરવા  તૈયાર થાય નહીં !


ગઈકાલે ભાણવડમાં જે વિદ્યાર્થીની દીકરીના આપઘાતનો બનાવ બન્યો એમાં અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. પોલીસના ધ્યાન બહાર આપઘાત કરેલ વિદ્યાર્થીનીના મૃતદેહને હોસ્ટેલથી હોસ્પિટલ ખસેડવો, સુસાઇડ નોટ ફાટેલી જેવી હાલતમાં હોવાનું અને બનાવ બાદ ટ્રસ્ટી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું મૃતક દીકરીના પરિવારજનોનું જણાવવું, અને ઘટના બાદ શાળા દ્વારા પરિવારજનોથી અંતર રાખવું એ અનેક સવાલો શાળા સામે ઉભા કરે છે. સરકારી તંત્ર અને પોલીસ જો યોગ્ય દિશામાં ખંત પૂર્વક કોઈના પણ પ્રભાવમાં આવ્યા વિના તપાસ કરે તો દરેક સવાલના સચોટ જવાબ મળી શકે તેમ છે.