મુખ્ય રોડ-રસ્તા મઢવાની તાબડતોબ કામગીરી ચાલુઃ ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર મેદાને...

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લામાં આગામી તા. ૪ ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં અત્યારથી જ સાફ-સફાઈ, રંગરોગાનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે, શહેરમાં મુખ્ય માર્ગો પર ખડકવામાં આવેલ આડેધડ અને ગેરકાયદેસર દબાણો જામ્યુકો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અને મુખ્ય એવા રોડ પર રાતોરાત રોડ-રસ્તાના કામકાજ લગત તંત્ર દ્વારા શરુ કરી દેવાયા છે, જે રોડ પરથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો છે, ત્યાં લોકો રજૂઆત કરી-કરીને થાકી જાય તો પણ કામ થતાં નથી ત્યાં રાતોરાત આખેઆખા રોડ બનાવી દેવામાં આવી રહ્યા છે, અને શહેરના ડીવાઇડરો ભાંગેલા તૂટેલા હોય ત્યાં નવા બનાવવામાં અને કલર કામ પણ શરુ કરી દેવાયા છે. વડાપ્રધાનની નજરમાં જામનગર શહેર સ્વચ્છ, સુઘડ અને વિકસીત છે એવી હાલ સરકારી તંત્ર દ્વારા છાપ ઉભી કરવામાં આવી રહી છે ત્યારે જાણે કે, જામનગર શહેરમાં 'દિવાળી'નો માહોલ હોય તેવું એક તબક્કે લાગી રહ્યું છે, જામનગરના અંબર સિનેમા રોડ, સાત રસ્તા સર્કલ, રણજીતસાગર રોડ, રણજીત રોડ, જી.જી. હોસ્પીટલ, બેડીગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર, ગૌરવ પથ સહિતના મુખ્ય રોડ પરથી દિવસ અને રાત એક કરી તંત્ર દ્વારા સુઘડ વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે લોકોનું જણાવવાનું છે કે, વડાપ્રધાન જ્યારે જામનગરની મુલાકાત લઇ રહ્યા છે ત્યારે તંત્રને પ્રાથમિક સુવિધાના કાર્યો કરવામાં મન પોરવાઇ છે, પરંતુ આડા દિવસે પણ રજૂઆતો બાદ તુરંત અમલ કરી વિકાસના કાર્યો કરવા જોઇએ, જેથી 'સૌનો સાથ - સૌનો વિકાસ' સાર્થક ગણાય...!