સામાન્ય બીમારી સબબ સારવાર દરમ્યાન બનાવ બનતા ટોળાએ હોસ્પિટલના પાર્કિંગમાં તોડફોડ કરતા પોલીસ દોડી ગઈ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં એક ખાનગી હોસ્પિટલમાં શરદી જેવી સામાન્ય બીમારી માટે દાખલ કરવામાં આવેલ એક માસુમ બાળકીનું મોત નિપજતા હોસ્પિટલ પર બાળકીના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને તબીબનું નિવેદન લીધું હતું. મળતી વિગત મુજબ જામનગરમાં રહેતા મહેલભાઈ ગોરી નામના વ્યક્તિની એક માસુમ બાળકીને શરદીને સામાન્ય બીમારી થતા તેને સુમેર ક્લ્બ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતી અને તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી ત્યારે આ બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને કચ્છી ભાનુશાળી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથોસાથ બાળકીના પરિવારજનો પણ આવી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તબીબનું નિવેદન લેવામાં આવ્યું હતું. શહેર યુવા ભાજપના અગ્રણી મનીષભાઈ કટારીયા સહિતના લોકો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. દરમિયાન મોડેથી મળતા અહેવાલ મુજબ ઉશ્કેરાયેલા લોકોએ હોસ્પિટલના પાર્કિંગમાં તોડફોડ કરી હતી અને પોલીસને જાણ થતા ટોળાઓને વિખેરી નાખ્યા હતા.