ભારતીય જનતા પાર્ટી તથા અનેક સંસ્થાઓ-સમાજ-વેપારીઓ જોડાયા 
જામનગર મોર્નિંગ - જામનગર   
આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવવા માટે જઈ રહેલા દેશના સી.આર.પી.એફ.ના જવાનો પર આતંકી હુમલો કરાયો હતો અને જેમાં 42 જેટલા જવાનો શહિદ થયા હતા જયારે હજુ પણ કેટલાક જવાનોની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે. આ બનાવને વખોડી કાઢવા માટે જામનગરમાં ઠેર-ઠેર વીર જવાનોને વિવિધ સંસ્થા, સમાજ, રાજકીય પાર્ટી સહિતનાઓ દ્વારા શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી રહી છે. 

જમ્મુ-કાશ્મીરમાં શહીદી વ્હોરનાર જવાનોને જામનગરમાં ચાંદીબજાર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, નગરસેવક મનીષ કનખરા તેમજ ભાજપાની મહિલા કાર્યકર્તાઓ સહિતએ ઉપસ્થિત રહી "પાકિસ્તાન મુર્દાબાદ"ના બેનર સાથે જોડાય શ્રધ્ધાજંલી અર્પી હતી. ઉપરાંત કડીયા સમાજ દ્વારા ક્ડીયાવાડથી રેલી યોજી બેડીના નાકે આવેલ રામમંદિરે મીણબત્તી પ્રગટાવી શહિદોને શ્રધ્ધાજંલી અર્પી હતી. તેમજ વિશ્વાસ ગ્રુપ દ્વારા ડીકેવી સર્કલ પાસે, સિનિયર સીટીઝન દ્વારા તળાવની પાળ ગેઇટ નં. 2 પાસે શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી.

સાથે-સાથે જામનગર શહેરના તમામ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા એક કલાક પેટ્રોલ પંપ બંધ રાખી શહિદોને શ્રધ્ધાજંલી અર્પી હતી. તેમજ જામનગરમાં ચાંદીબજાર સ્થિત સોની વેપારીઓ ભાઈઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી જયારે સેન્ટ ફ્રાન્સીસ સ્કુલના સંચાલક, શિક્ષકો અને વિધાર્થીઓ પણ   શ્રધ્ધાજંલીમાં જોડાયા હતા. તમામે પાકિસ્તનને ઝડબાતોડ જવાબ આપવા અને લડી લેવા ભારત સરકારને માંગણી કરી છે.