જી જી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો : આરોપી જેલ હવાલે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી 16 વર્ષની વયની એક સગીરા ઉપર તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સે પ્રેમઝાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું જે સગીરા ગર્ભવતી બની ગયા પછી કુવારી માતા બની ગઈ હતી અને તેણીએ ગુરુવારે જી જી હોસ્પિટલના બીછાને એક બાળકીને જન્મ આપ્યો છે જયારે તેણી સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે પકડી લીધા પછી તેને જેલમાં ધકેલી દેવાયો છે. 
મળતી વિગત મુજબ જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતા શાહરૂખ સીદીકભાઈ પંજા નામના શખ્સે પોતાના ઘરની નજીક પોતાની દાદી સાથે રહેતી 16 વર્ષની વયની એક સગીરાને પોતાના પ્રેમઝાળમાં ફસાવી લઇ આજથી આઠેક મહિના પહેલા પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું જેના કારણે તેણી ગર્ભવતી બની ગઈ હતી જેના પગલે આ મામલો સામે આવ્યો હતો આ બનાવ અંગે આરોપી શાહરૂખ પંજા સામે દુષ્કર્મ આચરવા અંગેની કલમ ઉપરાંત પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી લેવામાં આવી હતી જે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરતા તેને જેલમાં ધકેલી દેવાયો છે. 
આ ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પિટલમાં પેટના દુઃખાવાના કારણે દાખલ કરવામાં આવેલી ભોગ બનનાર સગર્ભા તરૂણી કે જેણે પેટમાં દુઃખાવાની ફરિયાદ કર્યા પછી ગુરુવારે સાંજે તેણીએ એક તંદુરસ્ત બાળકીને જન્મ આપી દીધો છે અને કુંવારી માતા બની ચુકી છે. આ બનાવે જામનગર શહેરમાં ભારે ચકચાર જગાવી છે.