રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા રાજભવનમાં ત્રણેયને મંત્રીપદના શપથ લેવાડાવવામાં આવી રહ્યા છે
જામનગર મોર્નિંગ -  અમદાવાદ:
લોકસભા ચૂંટણીના ભણકારા વચ્ચે ગુજરાતમાં રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ એકાએક રાજીનામું આપી દેતા કોંગ્રેસને જોરદાર આંચકો લાગ્યો છે. જવાહર ચાવડા ગઈકાલે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. ત્યારબાદ આજે 12.39 કલાકે તેમને મંત્રીમંત્રડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના કેબિનેટનું આજે વિસ્તરણ કરાશે જેમાં વડોદરાના માંજલપુરના યોગેશ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત જામનગરના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને પણ રૂપાણી મંત્રીમંડળમાં સ્થાન મળશે અને તેઓ મંત્રી તરીકેના શપથ લેશે.
માણાવદર બેઠકના ચાર ટર્મના ધારાસભ્ય જવાહર ચાવડા કોંગ્રેસ સાથે શા માટે છેડો ફાડ્યો તે અંગે અનેક શંકા-કુશંકા ચાલી રહી હતી ત્યાં ગઈકાલે સાંજે ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય અને નાની સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા એવા પુરષોત્તમ સાબરિયાએ પણ રાજીનામું આપી દીધું હતું.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રૂપાણી કેબિનેટના વિસ્તરણમાં છેલ્લી ઘડીએ કોઈ મોટો ધડાકો થવાની સંભાવના છે. વધુ કોંગ્રેસી નેતાને ભાજપમાં મંત્રી તરીકેની જાહેરાત થઈ શકે છે. રૂપાણી મંત્રીમંડળમાં જવાહર ચાવડાને કેબિનેટ કક્ષાના જ્યારે યોગેશ પટેલ અને હકુભાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાય તેવી સૂત્રોએ સંભાવના વ્યક્ત કરી છે.