ઈતિહાસની પ્રથમ ઘટનાઃ વેલ્ફેર-સભ્ય ફી સહિતના મુદ્દે ચાલતો ગજગ્રાહ ચરમસીમાએ...

જામગનર મોર્નિંગ -જામનગર
જામનગર બાર એસો.ની કારોબારીએ ખજાનચીને પદ પરથી દૂર કર્યા, પ્રમુખે ૨૪ કલાકમાં આખી કારોબારીને દૂર કરી દીધી. વકીલ મંડળના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની છે. વેલફેર ફી, સભ્ય ફી સહિતના મુદે બંને વચ્ચે ચાલતો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે.
જામનગર વકીલ મંડળની ૧૧ સભ્યની કારોબારી સમિતિએ સભ્ય ફી રૃ.૧૫૦ અને વેલફેર ફી રૃ.૧૫૦ લેવા ઠરાવ કર્યો હોવા છતાં ખજાનચી દ્વારા રૃ.૨૦૦-૨૦૦ ફી લેવામાં આવતા આ મુદે કારોબારીએ ખજાનચીને નોટીસ ફટકારી સાત દિવસમાં લેખિત ખુલાસો આપવા ઠરાવ કરી જણાવ્યું હતું. પરંતુ ખજાનચીએ ખુલાસો ન આપતા અને રૃ.૨૦૦ ફી લેવાનું ચાલુ રાખતા ગુરૃવારે કારોબારી સમિતિએ ખજાનચીને પદ પરથી તથા વકીલ મંડળના સભ્ય પદેથી એક વર્ષ માટે દૂર કરવાનો ઠરાવ કર્યો હતો.ત્યારે શુક્રવારે વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવાએ હોદાની રૃએ સમગ્ર કારોબારી સમિતિને બરખાસ્ત કરી ૧૧ સભ્યને પદ પરથી દૂર કરવાનો ઠરાવ કર્યો છે.
કારોબારી સભ્યોએ પ્રમુખ અને સેક્રેટરીને જાણ કર્યા વગર ૨૩ જાન્યુઆરીના કારોબારની મીટીંગ બોલાવી સભ્ય અને વેલફેર ફી રૃ.૧૫૦-૧૫૦ લેવાનો તથા મંડળના ત્રણેય ખાતાની ચેકબુક, પાસબુક, રોકડ હોદેદારોએ કારોબારીને આપી દેવાનો મનસ્વી ઠરાવ કરી બંધારણની જોગવાઇનું ઉલ્લધંન કર્યું હતું. કારોબારી સમિતિએ વકીલ મંડળના ૨ જાન્યુઆરી ૨૦૧૭ના ઠરાવ ઉપર ઠરાવ કરી વકીલ મંડળના હીતને નુકશાન કરી બંધારણના નિયમ ૭-ઇ નો ભંગ કર્યો છે. વળી ફી અંગે ટ્રેઝરરને સભ્ય પદેથી દૂર કરવાની શો કોઝ નોટીસ આપવાની જોગવાઇ બંધારણમાં નથી. આમ જોગવાઇ વિરૃધ્ધની કામગીરીને અનુલક્ષીને શુક્રવારે વકીલ મંડળના હોદેદારોએ બેઠક કરી હતી. જેમા નિયમોના ઉલ્લઘન બદલ શિક્ષાત્મક પગલાંના ભાગરૃપે કારોબારી સમિતિના ૧૧ સભ્યને સભ્ય પદેથી દૂર કરવાનો તથા સમિતિને બરખાસ્ત કરવાનો ઠરાવ કરાયો હોવાનું જણાવ્યું છે.
જામનગર બાર એસો.ની કારોબારીએ ખજાનચીને પદ પરથી દૂર કર્યા હોય પ્રમુખે ૨૪ કલાકમાં આખી કારોબારીને દૂર કરી દીધી હતી. જામનગર વકીલ મંડળની કારોબારી સમિતિએ વકીલ મંડળના નિયમો, ઠરાવો તથા ગુજરાત બાર કાઉન્સીલના નિયમોનું વારંવાર ઉલંઘન કર્યું હોય, વકીલ મંડળના હિત વિરૃદ્ધના તથા સ્વતંત્રતા, સ્વાયતતા અને એકતાને નુકસાન થાય તેવા કાર્યો કર્યા હોય કારોબારી સમિતિને બરખાસ્ત કરવાનો ઠરાવ વકીલ મંડળના હિતમાં હોદ્દેદારોએ કર્યો છે, તેમ પ્રમુખ ભરત એસ.સુવાએ જણાવ્યું હતું.
ગુજરાત બાર કાઉન્સીલના બંધારણમાં વકીલ મંડળની કારોબારી સમિતિને બરખાસ્ત કરવાની પ્રમુખ કે હોદેદારોને સતા નથી.પ્રમુખે કારોબારી સમિતિને બરખાસ્ત કરી છે તે અંગે કારોબારી સમિતિની મીટીંગ મળશે તેમાં આગળ શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે તેમ વકીલ મંડળના કા. સભ્ય કિશોર મકવાણાએ જણાવ્યું હતું.