શાંતિ રીતે ચલાવી રહેલા આંદોલનમાં ભાજપ દ્વારા ખોટી રીતે દમન કરવામાં આવતું હોવાથી આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાં રાજપૂત સમાજ દ્વારા ચલાવી રહેલા આંદોલનના સંદર્ભમાં વોર્ડ નંબર-૬માં ક્ષત્રિય સમાજના લોકો સામે ખોટો કેસ દાખલ કરાયા પછી રાજપૂત સમાજ રોષે ભરાયો છે, અને જામનગર જિલ્લા રાજપૂત સમાજના આગેવાનોની મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં ભાજપ દ્વારા ખોટા કેસ કરાવવામાં આવી રહ્યા હોવાની અને રાજપૂત સમાજને છંછેડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાયો છે, અને આગામી દિવસોમાં આ લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૬ ભાજપના કાર્યક્રમ દરમિયાન આકરી કલમ લગાડીને રાજપૂત સમાજના લોકો પર ગુન્હો દાખલ કરાવ્યો છે, અને ભાજપ દ્વારા રાજપૂત સમાજમાં ડર પેદા થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. શાંતિ પ્રિય રીતે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે, જેમાં પલીતો ચાંપવાનો સ્થાનિક ભાજપની નેતાગીરી દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે, અને ખોટી રીતે સમાજના લોકોને પરેશાન કરવામાં આવી રહી છે. હાલના સંજોગોમાં કોઈપણ પ્રકારે વિરોધ કરવાનો સર્વેને અધિકાર છે તેમ છતાં માત્ર ઉભા રહ્યા હોય તેવા પણ ક્ષત્રિય સમાજના લોકોની સામે ગુનો દાખલ કરી અટકાયત કરી લેવાની પહેરવી કરવામાં આવી રહી છે. હાલમાં રાજપૂત ક્ષત્રિય સમાજ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે, અને કોઈપણ પ્રકારની પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યા વગર તેમજ અન્ય સમાજના લોકોને કોઈ તકલીફ ન પડે તે પ્રમાણેનું આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
ભારતના વડાપ્રધાનની આગામી જાહેરસભા છે તેમાં પણ અમારા દ્વારા આ રાષ્ટ્રના વડાપ્રધાન છે, તેથી કોઈ વિરોધ પ્રદર્શન કરવામાં નહીં આવે, તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક ભાજપના તંત્ર દ્વારા પોલીસ પર ખોટું દબાણ લાવી અમારા સમાજના લોકો વિરુદ્ધ ખોટી રીતે ગુનો દાખલ કરાવી ક્ષત્રિય સમાજને ઉસ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આગામી દિવસોમાં આથી વધુ આંદોલન કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી છે.
રવિવારે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, તે સંદર્ભમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા પણ જઈ રહ્યા હોવાનું જણાવ્યું છે.
0 Comments
Post a Comment