જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતા એક મેમણ વેપારીએ ઠગ ટોળકીનો ભેટો થઇ ગયો હતો રૂ. 61,70,000ની જુની ચલણી નોટો બદલાવી આપી મોટુ કમીશન અપાવી દેવાના બહાને એક કારમાં અપહરણ કરી લઇ જઈ 62 લાખ રૂપિયા પડાવી લેવા અંગે અને ત્યાર પછી બગોદરા પાસે ઉતારી દેવા અંગે જામનગરના ભાનુશાળી પિતા-પુત્ર અને બે મહિલાઓ સહિત છ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં ચકચાર જાગી છે એલસીબીની ટીમે આ પ્રકરણની તપાસમાં ઝુકાવ્યું છે. 
મળતી  વિગત મુજબ જામનગરના કાલાવડનાકા બહાર આવેલા પાંચ હાટડી ચાર રસ્તા નજીકના તાહેરીયા મદ્રેસા પાસે રહેતાં અને ત્યાં ફાલુદાની દુકાન ચલાવતાં હુશેનભાઈ રજાકભાઈ કાસ નામના મેમણ વેપારીના પરીચયમાં રહેલાં જામનગરના ગોકુલનગરની આશાપુરા ચોકડી નજીક રાજરાજેશ્વરી સોસાયટીમાં રહેતાં હરીશ ગીરધરભાઈ નંદા તથા તેમના પુત્ર ચીરાગ હરીશભાઈ નંદાએ થોડા દિવસ પહેલાં  એક વ્યક્તિ પાસે વર્ષ ર૦૧૬માં બંધ કરવામાં આવેલી રૃપિયા પ૦૦-૧૦૦૦ની જુની ચલણીનોટો પડી છે, તેના બદલામાં નવી ચલણી નોટો આપવાની છે, અને આ અદલા બદલીમાં મોટું કમિશન મળશે તેવી વાત કરી હતી. ઉપરોક્ત વાતથી લાલચમાં આવી ગયેલા હુશેનભાઈએ હરીશ તથા ચિરાગ નંદા સાથે આગળ કરેલી વાતચીતમાં કેટલી રકમની જુની ચલણી નોટો બદલાવવાની છે તેમ પુછતાં આ પીતા પુત્રએ રૃપિયા દોઢ કરોડની જુની નોટો સામે માત્ર રૃપિયા ૬૧ લાખ ૭૦ હજાર આપવાના છે અને તેમાં રૃપિયા ૩૦ લાખ કમિશન પેટે મળશે તેમ કહી પોતાની માયાજાળ વિસ્તારી હતી. જેમાં હુશેનભાઈ ફસાઈ ગયા હતાં. ત્યાર પછી ગઈ તા. ર૮ માર્ચની સાંજે પૈસા લઈને આવી જજો તેમ કહી ચાલ્યા ગયેલા હરીશભાઈ તથા ચિરાગના કહેવા મુજબ રૃપિયા ૬૧ લાખ ૭૦ હજાર રૃપિયા રોકડા સાથે રાખી હુશેનભાઈ આવી ગોકુલનગરની આશા૫ુરા ચોકડીએ પહોંચ્યા હતાં. આ અસલી ચલણી નોટ બહારગામ એક આસામીને આપી દઈશું તો તેઓ અંદાજે એક કરોડ આપશે તેમ કહી પિતા પુત્ર એક મોટરમાં હુશેનભાઈને પોતાની સાથે લઈ ગયા હતાં. આ શખ્સોએ જુનાગઢ જિલ્લાના બિલખાના સલીમ, જુનાગઢના મુન્ના ઈબ્રાહીમ ચંદાણી તથા અન્ય બે મહિલાઓ સાથે મેળવ્યા પછી હુશેનભાઈને જુનાગઢ ઉપરાંત રાજકોટ, ચોટીલા લઈ જઈ આમથી તેમ આટા મરાવી, પૈસા લઈ લીધા પછી જામનગર લાવી પૈસા આવી જશે તેમ કહી મુક્ત કર્યા હતાં. આ સોદામાં ગંજાવર કમિશન મળશે તેવી રાહ જોઈ રહેલા હુશેનભાઈને ધીમે-ધીમે સમજાયું હતું કે ઉપરોક્ત વ્યક્તિઓએ તેઓની સાથે છેતરપીંડી કરી છે તેથી ગઈકાલે સિટી સી ડિવિઝનમાં પહોંચી ગયેલા હુશેનભાઈએ વિધિવત ફરીયાદ નોંધાવી છે પોલીસ હરીશ નંદા, ચિરાગ હરીશ નંદા, સલીમ, મુન્ના ઈબ્રાહીમ, બે અજાણી મહિલાઓ તેમજ મોટરના ચાલક સહિત સાત સામે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૩૬૫, ૧૨૦ (બી) હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ ગુન્હાની વિગતો જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલને આપવામાં આવ્યા પછી તેઓની સુચનાથી એલસીબીના પી.એસ.આઈ. રામભાઈ ગોજીયાએ તપાસનો દોર સંભાળ્યો છે. અઢી વર્ષ પહેલાં થયેલી નોટબંધી પછી પણ જુની નોટ સામે નવી નોટ બદલાવવાના આ પ્રકારના કેટલાક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે એલસીબીએ આ બનાવના ઉંડાણમાં પહોંચવા તપાસનો ધમધમાટ આરંભ્યો છે.