રાજ્ય સરકાર દ્વારા બે વર્ષથી ઓકટ્રોયની ગ્રાન્ટની રકમ નહીં ચુકવતા સરપંચ સહિતના સદસ્યોનો નિર્ણય 
જામનગર મોર્નિંગ - જામનગર
જોડીયા ગ્રામપંચાયતમાં છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ઓકટ્રોયની ગ્રાન્ટ પૈકી 8.41 લાખ ઓછા ચુકવવામાં આવ્યા છે જે અંગેની ગ્રામ પંચાયત દ્વારા અવાર-નવાર રજુઆત કરવા છતાં રાજ્ય સરકારે માર્ચ મહિનામાં ઘટતી રકમ ચૂકવી આપવાનું જનવાયા પછી પણ નહીં ચુકવતા આખરે ગ્રામપંચાયતે વહીવટી ચલાવવો મુશ્કેલ બન્યો હોવાનું જણાવી સરપંચ તથા ગ્રામપંચાયતના સદસ્યો દ્વારા ગઈકાલે ગ્રામપંચાયતની કચેરીને તાળાબંધી કરવામાં આવી હતી.
જોડીયા ગ્રામપંચાયતના સરપંચના નેજા હેઠળ ઓક્ટ્રોયની ગ્રાન્ટની બે વર્ષની 8.41 લાખની રકમ ઓછી ચુકવવામાં આવી છે તે અંગેની રજુઆત કરવામાં આવી હતી, આ અંગે ડી.ડી.ઓ. અને ટી.ડી.ઓ. સમક્ષ રજુઆત કરવામાં આવી હતી ત્યારે માર્ચ મહિનામાં અંતમાં બાકી રોકાતી 8.41 લાખની રકમ ચૂકવી આપવા આસવાસન અપાયું હતું પરંતુ 31 માર્ચ પછી પણ તે રકમ નહીં ચુકવાતા જોડીયા ગ્રામપંચાયત દ્વારા જો પોતાને દસ દિવસમાં રકમ નહીં ચુકવાય તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી જેના અનુસંધાને ગઈકાલે ગ્રામપંચાયતના સરપંચ તથા અન્ય સદસ્યો વગેરે દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધી કરી અને તેની ચાવી તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરી દીધી છે. ઉપરાંત ગ્રામપંચાયતના નોટીસ બોર્ડ ઉપર આવશ્યક સેવાઓ જેવી કે લાઈટ, પાણી, સફાઈ સહિતના પ્રશ્નો અંગે જોડીયાના લોકોએ તાલુકા વિકાસ અધિકારીનો સીધો સંપર્ક સાધવાનું લખ્ય છે. આ કાર્યવાહીથી સ્થાનિક તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.