જામનગર મોર્નિંગ - અમદાવાદ 
'ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ' ગુજરાત સ્થાપના દિવસથી એટલે કે પહેલી મે થી લાગુ થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત વિધાનસભામાં રાત્રે ૧ર વાગ્યાથી સવારના ૬ વાગ્ગયા સુધી દુકાનદારો તેમજ અન્ય ધંધાર્થીઓને ધંધો કરવા પર રોક લગાવવાના પહેલાના કાયદામાં સુધારો કરવાને લઈને એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને લોકોમાં આશા પણ જાગી હતી. શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ જણાવ્યું કે, 'રાજ્યપાલે આ બિલ પાસ કર્યું હતું અને હવે પહેલી મે થી રાજ્યભરમાં તેને લાગુ કરાશે. આ અંગે ના કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેને ટૂંક સમયમાં જાહેર કરાશે.' આ કાયદો લાગુ થયા પછી દુકાનો, શોપિંગ મોલ્સ તેમજ પાથરણા બજાર ર૪ કલાક સુધી ધમધમતા રહેશે. નેશનલ અને સ્ટેટના હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ, હોસ્પિટલ તેમજ હોટેલને ર૪ કલાક સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવશે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. જ્યારે નગરપાલિકાઓમાં રાત્રે ૧૧ વાગ્યા સુધી જ દુકાનોને ખુલ્લી રાખવાની મંજુરી અપાશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ટ્રાફિક જેવા વિશેષ કિસ્સાઓમાં અધિકારીઓ મોડી રાત્રે દુકાનો બંધ  કરાવી શકે છે, જો કે તે ૧પ દિવસ કરતા વધારેના સમયગાળા માટે હોઈ શકે નહીં.