ટ્રાન્સપોર્ટરો-ટ્રકમાલીકોએ પૂનમબેનની તરફેણમાં પ્રચંડ સમર્થન જાહેર કર્યું
બગોદરા-તારાપુર-ધોળકા હાઇવે ઉપરની ચોરી અટકવવા ડીજીપીને રજુઆત કરતા તુરંત પગલાંથી નિયત્રંણ આવ્યું: જામનગરમાં સૌ પ્રથમવખત ટ્રાન્સપોર્ટ નગર બનાવવા બાબતે રાજ્ય સરકારનો હકારાત્મક અભિગમ: અનેક સુવિધાઓ થશે અને સમસ્યા ઘટશે 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર સહિત રાજ્યના ટ્રાન્સપોર્ટરોના પ્રાણ પ્રશ્નો બાબતે જામનગરના સાંસદસભ્ય પૂનમબેન માડમે સક્રિય રસ દાખવી સફળ જહેમત ઉઠાવતા જામનગર ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા પૂનમબેન મેડમનો આભાર એક અખબારી યાદી દ્વારા વ્યક્ત કર્યો છે. જેમાં બગોદરા-તારાપુર-ધોળકા હાઇવે ઉપર ટ્રકોમાંથી ગુડ્ઝની થતી ચોરીની બાબતોનો સમાવેશ થાય છે જે અંગે ડીજીપીને સફળ રજુઆત થતા તુરંત પગલાં લેવાયા અને નિયત્રંણ આવ્યું છે. તેવી જ રીતે જામનગરમાં સૌ પ્રથમ વખત ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની યોજનાને રાજ્યસરકારની લીલીઝંડી સાથે હકારાત્મક અભિગમ સાંપડતા અનેક સુવિધાઓ થશે અને સમસ્યાઓ ઘટશે તેમ પણ આ યાદીમાં ઉમેરાયું છે. 
અર્થતંત્રના મહત્વના અંગ સમાન ટ્રાન્સપોર્ટ ઉધોગ અંતર્ગત રોજના હજારો ટ્ર્કોનો રાજ્યના માર્ગો ઉપર માલ પરિવહન માટે ધમધમાટ હોય છે ત્યારે બગોદરા-તારાપુર-ધોળકા જેવા અત્યંત ટ્રાફીકવાળા હાઇવે ઉપર ટ્રકોમાંથી વારંવાર ગુડ્ઝની ચોરી થતી હતી જેથી ટ્રાન્સપોર્ટ માલિકોને લાખો રૂપિયાનું નુકશાન થતું હતું ઉપરથી આ અંગે પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો લેવાતી ન હતી. આ બાબતે જામનગર ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ મહાદેવસિંહ રાણા જામનગર ટ્રક એસોસીએશન પ્રમુખ નવલસિંહ પી. જાડેજા હોદેદારો જયવીરસિંહ ઝાલા, વેજાભાઇ ચાવડા, હીરલભાઈ કુંડલીયા, દેવશીભાઇ ડી. રબારી, રમેશભાઈ મોરઝરીયા, કમલેશભાઈ બુધ્ધદેવ, વિક્રમભાઈ ઓડેદરા, કૈલાશભાઈ જોષી, પ્રમોદસિંહ કે. રાજપૂત વગેરે એ સાંસદસભ્ય પૂનમબેન માડમ તથા ધારાસભ્ય હકુભા જાડેજાને મળીને સમગ્ર પ્રશ્ન અંગે વિસ્તૃત રજુઆત કરતા પ્રશ્નની ગંભીરતા લઇ પૂનમબેન રાજ્યના પોલીસ વડા (ડી.જી.પી.) શિવાનંદ ઝા ને રૂબરૂ મળી આ ગંભીર પ્રશ્ને તાત્કાલીક પગલાં લેવાય તેમજ ટ્રાન્સપોર્ટરોને સલામતીનો અનુભવ થાય તે અંગે યોગ્ય કરવા આગ્રહ રાખ્યો હતો. આ બાબતે ડીજીપી ઝાએ લગત પોલીસ સ્ટેશનોને ફરીયાદો દાખલ કરવા હુકમ કર્યા, હાઇવે ઉપર પોલીસ પેટ્રોલીંગની સૂચનાઓ આપી, આ ધમધમતા માર્ગો ઉપરની હોટલો, પેટ્રોલપંપો વગેરે સ્થળોએ નાઈટ વિઝન ડિજિટલ કેમેરા ફરજીયાત મુકાવવાનો આદેશ કર્યો. આ સમગ્ર પગલાંઓને કારણે ટ્રકોમાંથી થતી ગુડ્ઝની ચોરીઓની પ્રવૃતિઓમાં નિયત્રંણ આવ્યું તેમજ ફરીયાદો દાખલ થતા તપાસો પણ થવા લાગી છે. 
તેવી જ રીતે જામનગરમાં અત્યંત જરૂરિયાત છે તાવ ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે પણ સાંસદ પૂનમબેન માડમને રજુઆત કરાતા પુનમબેને રાજ્યના મહેસુલ મંત્રી કૌશીકભાઇ પટેલને સમગ્ર મુદ્દે અગત્યતા અંગે ભારપૂર્વક રજુઆત કરતા મહેસુલ મંત્રીએ જામનગર જિલ્લા વહીવટી તંત્રને આ માટે જગ્યા ફાળવવાની સૂચના આપતો પત્ર તુરંત પાઠવ્યો છે. 
ઉલ્લેખનીય છે કે ચોકડીથી ખીજડીયા બાયપાસ અથવા લાલપુર ચોકડીથી ચંગાના પાટીયા સુધીમાં જગ્યા ફાળવવાની એસોસીએશનની રજુઆત છે. તેમજ ટ્રાન્સપોર્ટ  તાતી જરૂર છે જે સાકાર થતા પાર્કિંગ સુવિધા, ડ્રાયવરો-ક્લીનરો માટે રેસ્ટ રૂમ અને આનુસાંગીક સુવિધા, ટ્રાન્સપોર્ટની ઓફિસ, એક જ સ્થળેથી સુચારૂ સંચાલન વગેરે આ નગરમાં થઇ શકે એટલું જ નહીં સરકારના ભારે વાહનો અંગેના જાહેરનામાઓ તેમજ એન્ટ્રી-નો એન્ટ્રી વગેરેના વખતો વખતના સરકારના નિયમોની પણ ચુસ્ત અમલવારી થઇ શકે જેથી જામનગરની ટ્રાફીક સમસ્યાના નિરાકરણમાં પણ સારો સહકાર મળી રહે. 
ટ્રાન્સપોર્ટ નગરના નિર્માણ માટે સાંસદસભ્ય પુનમબેન માડમેએ હજુ તમામ સહકારની ખાત્રી આપી છે. ઉલ્લેખનીય છે કે જામનગરના તત્કાલીન ધારાસભ્ય અને હાલના રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ જરૂરી સહકાર આ પ્રશ્ને આપ્યો હતો.
આમ ટ્રાન્સપોર્ટરોના પ્રાણપ્રશ્નો બાબતે સફળ રજુઆત થતા જામનગર ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા સાંસદસભ્ય પૂનમબેનનો તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) નો પણ ખુબ ખુબ આભાર માન્યો છે. 
જામનગરમાં ખુબ મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટશન-ટ્રક વ્યવહાર- બિઝનેસનો વ્યાપ છે, ત્યારે ખુબ જટીલ નાજુક અને પ્રાણપ્રશ્ન બાબતે અણીના સમયે સાંસદસભ્ય પૂનમબેન માડમ તેમજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ની જહેમતથી ટ્રાન્સપોર્ટરો-ટ્રકમાલીકોને થતું આર્થિક નુકશાન અટક્યું અને માનસિક ત્રાસ પણ અટક્યો આવી અનેક રાહતરૂપ કામગીરી અંગે સૌ ટ્રાન્સપોર્ટરો-ટ્રકમાલીકોએ સાંસદ પૂનમબેન પ્રત્યે ખુબ ખુબ સાદર આભાર વ્યક્ત કટી પ્રાણ પ્રશ્ને નિરાકરણ કરાવી આપવા બદલ ઉમળકાભેર સાંસદ પૂનમબેનની તરફેણમાં પ્રચંડ સમર્થન જાહેર કર્યું છે, તેમ પણ આ અખબારી યાદીમાં ઉમેરાયું છે.