65 કરોડનો શહેરનો પ્રથમ ફલાયઓવર મંજૂર
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં અંબર અને ગુરુદ્વારા ચોકડી પાસે વધુ ટ્રાફિક રહેતો હોવાથી અહિં ઓવરબ્રિજ માટેની દરખાસ્ત સરકારમાં મૂકવામાં આવી હતી. આ રજૂઆતને મુખ્યમંત્રીએ મંજુરી આપી છે. આમ હવે આગામી સમયમાં નગરના વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે તેવા સુખદ સમાચારો પ્રાપ્ત થયા છે. અહિં ૬પ કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજને મંજુરી આપી છે.
હાલ જામનગર મહાનગરપાલિકાના વિસ્તાર ૧ર૮.૪૦ કિ.મી.નો છે અને આશરે સાડા સાત લાખની માનવ વસતિ છે. ઉપરાંત જામનગર નજીકના વિસ્તારોમાં રિલાયન્સ, ન્યારા એનર્જી, જીએસએફસી જેવી મસમોટી કંપનીઓ તથા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાનું પ્રવેશદ્વાર પણ જામનગર હોય, શહેરમાં પ્રતિદિન ટ્રાફિક સમસ્યામાં વધારો થઈ રહ્યો છે જેના નિરાકરણ માટે મહત્ત્વના જંકશન ઉપર ઓવરબ્રિજ બનાવવાની જરૃરિયાતને ધ્યાને લઈ શહેરમાં વધતા જતા ટ્રાફિકનેેં ધ્યાને લઈ વધુ એક ફ્લાયર ઓવર બ્રિજ બનાવવાની જરૃરિયાત અન્વયે મ્યુનિ. કમિશનર સતિષ પટેલએ તા. ૮.પ.ર૦૧૯ ના શહેરી વિકાસ ખાતાને પત્ર લખ્યો હતો અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓએ ઓગસ્ટ ર૦૧૯ માસમાં મુખ્યમંત્રી સમક્ષ રૃબરૃ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જામનગરના શહેરીજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે ઈન્દિરા માર્ગ ઉપર ફ્લાય ઓવર બ્રિજ મંજુર કર્યા છે.
ગુરુદ્વારા અને અંબર જંકશનને આવરી લેતો આ ફ્લાયઓવર બ્રિજ ૯૬૦ મીટરનો ફોરલેન થશે. તેની પહોળાઈ ૧૭ મીટર રહેશે અને ઊંચાઈ પ.૩૦ મીટર રહેશે. અંદાજે રૃપિયા ૬પ કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે. આ માટેની આનુસંગિક કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે અને આ કામ બે વર્ષમાં પૂર્ણ થશે, તેમ જામનગરના મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી અને શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરીએ જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં આ બ્રિજની જોગવાઈ કરવામાં આવી હતી તે અન્વયે આ મંજુરી આપવામાં આવી છે.
આ બદલ જામનગર શહેર વતી કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખ જેઠવા, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિન્ડોચા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શાસક જુથ નેતા દિવ્યેશ અકબરી, દંડક જડીબેન સરવૈયા, શહેર ભાજપના મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, ડો. વિમલ કગથરા, પ્રકાશ બાંભણિયા, ચૂંટાયેલા પાંખના તમામ સભ્યોએ આવકારી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રીનો આભાર માન્યો છે.