નિવૃત પોલીસ અધિકારીના પુત્ર તેમજ એક હોટલના મેનેજરની ધરપકડ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં દેહવિક્રયનો વ્યવસાય વધી ગયો હોવાનો અને રાજ્ય બહારથી યુવતીઓને બોલાવી માનવ તસ્કરી કરી કુટણખાનાનો વ્યવસાય કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળતા જામનગર શહેરના અલગ-અલગ બે વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં એક રહેણાંક મકાનમાંથી કુટણખાનું ઝડપાયું છે જયારે એક હોટલમાંથી કુટણખાનું ઝડપાયું છે. એક નિવૃત પીઆઈના પુત્ર તેમજ એક હોટલના મેનેજર અને એક ગ્રાહક સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. 
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રણજીતનગર વિસ્તારમાં રહેતા નિવૃત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા દ્વારા રણજીતનગર પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં દેહવિક્રયનો વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે અને રાજ્ય બહારથી યુવતીઓને બોલાવી માનવ તસ્કરી કરી પુરૂષ ગ્રાહકોને સંતોષવા માટેની વ્યવસ્થા કરાવી કુટણખાનું ચલાવવામાં આવે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગુરૂવારે મોડી સાંજે નવનિયુક્ત પ્રોબેશનર આઈપીએસ હશન સફિન તેમજ એલસીબીની ટીમે દરોડો પડ્યો હતો. જે દરોડા દરમિયાન રણજીતનગર વિસ્તારમાં બ્લોક નંબર સી 9 ના રૂમ નંબર 1929માં કુટણખાનું મળી આવ્યું હતું અને નિવૃત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ ઝાલા દ્વારા કલકત્તાથી બે યુવતીઓને દેહવિક્રય માટે બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ સ્થળે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતો અને શાક બકાલાનો વેપાર કરતો મનોજ સુનિલભાઈ ખન્ના નામનો શખ્સ એક યુવતી સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો આથી પોલીસે અશોકસિંહ ઝાલા તેમજ ગ્રાહક મનોજ સુનિલભાઈ ખન્નાની ધરપકડ કરી લઈ રહેણાંક મકાનમાંથી રૂપિયા 6800ની રોકડ રકમ બે નંગ મોબાઈલ ફોન કોન્ડોમ સહિતનો વેશ્યાગીરીનો સામાન વગેરે કબ્જે કર્યો હતો અને અશોકસિંહ ઝાલા સામે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ કુટણખાનામાંથી પશિચ્મ બંગાળથી આવેલી બે યુવતીઓ મળી આવી હતી જે બંને યુવતીઓને પોલીસે છોડાવી આ પ્રકરણમાં સાક્ષી તરીકે રાખી છે. બંને યુવતીઓને પૈસાની લાલચ આપી જામનગર બોલાવવામાં આવી હતી અને પુરૂષ ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલી તેમાંથી અમુક હિસ્સો યુવતીઓને અપાતો હોવાનું જાણવા મળ્યું છે. 
જયારે બીજો દરોડો શહેરની હોટલમાં મેનેજર દ્વારા પુરૂષ ગ્રાહકોને સંતોષવા માટે રાજ્ય બહારથી યુવતીઓને બોલાવવામાં આવે છે અને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, જેમાં યુવતીઓના ફોટા પાડી મોબાઈલ ફોન મારફતે પુરૂષ ગ્રાહકોને તેની હવસ સંતોષવાની વ્યવસ્થા કરવામાં આવે છે, આ પ્રકારની ફરિયાદ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ તેમજ નવનિયુક્ત પ્રોબેશનર આઈપીએસ અધિકારી હશન સફિનને મળતા ગુરૂવારે સાંજે સીટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં હોટલના મેનેજર દિનેશ લક્ષ્મણભાઈ સાકટની ધરપકડ કરી લીધી હતી, અહીં પણ બહારના રાજ્યમાંથી આવેલી એક યુવતી મળી આવી હતી, જેને દેહવિક્રય માટે લાવનાર રાજકોટના વતની અને હાલ જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા રાકેશ મગનલાલ ગાંગડા નામના શખ્સે વ્યવસ્થા કરી હોવાથી પોલીસે તેને આ કેશમાં ફરારી જાહેર કર્યો છે, ઉપરોક્ત હોટલમાંથી પણ વેશ્યાવૃત્તિને લગતું કોન્ડોમ સહિતનું સાહિત્ય કબ્જે કરવામાં આવ્યો છે અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વેશ્યાવૃત્તિ અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, જામનગર શહેરમાં એક જ દિવસમાં કુટણખાના અંગેના બે ગુન્હાઓ નોંધાતા ભારે ચકચાર જાગી છે.