મોબાઈલ ફોનમાં વાત કરી સફારી કાર ગિફ્ટ આપવાની લાલચ આપી: ડોકટરે રૂ. 11.71 લાખ ભર્યા પરંતુ અંતે છેતરાયાનું માલુમ પડ્યું: પોલીસમાં ફરિયાદ નોધાવાઈ  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં હોસ્ટેલ ખાતે રહેતા અને વ્યવસાયે ડોક્ટરનું અજાણયો શખ્સ રૂ. 11.71 લાખનું "ઓપરેશન" કરી ગયો છે જેમાં ડોકટરે મોબાઈલ ફોનમાં ટાટા સફારી ગાડી ગિફ્ટમાં આપવાનો મેસેજ આવ્યા બાદ આ રકમ ભરેલ પરંતુ ડોક્ટરને ના તો સફારી કારની ગિફ્ટ મળી કે ભરેલ રકમ પરત મળી જેથી તેઓએ અજાણ્યા મોબાઈલ ધારક સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં સીટી બી પોલીસે તપાસ આરંભી છે.    
મળતી વિગત મુજબ જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં ન્યુ પીજી હોસ્ટેલ ખાતે રહેતા અને ડો. વ્યવસાય કરતા પાલનપુરના વતની વિનોદભાઈ મોહનભાઇ પ્રજાપતિએ અગાઉ સ્નેપડીલમાં ઘડિયાળ મંગાવેલ બાદ તેઓને ફોનમાં મેસેજ આવેલ કે ટાટા સફારી કાર ગિફ્ટમાં લાગી છે જે માટે તમારે રજીસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે તેવું અજાણ્યા શખ્સે પોતાના મોબાઈલ નંબર દ્વારા અલગ-અલગ ખાતાના નંબર આપી મોબાઈલ ફોનમાં જણાવેલ બાદ વિનોદભાઈએ વિશ્વાસમાં આવી કુલ મળી રૂ. 11,71,027 આરોપીના ખાતામાં ભરેલ હતા ત્યારબાદ કોઈ રોકડ રકમ કે કાર ગિફ્ટમાં નહીં આપી આ ડોક્ટર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરતા તેઓએ સીટી બી ડિવિઝનમાં અજાણ્યા મોબાઈલ ધારક શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ સીટી બી પોલીસે આ બનાવ અંગે તેઓની ફરિયાદ પરથી ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.