જિલ્લા પોલીસ તંત્રએ આ નવા કાયદા હેઠળ પ્રથમ ગુન્હો નોંધ્યો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના ભાગોળે આવેલા ઠેબા નજીક આકાર પામતા પીવીઆર સિનેમાઘરના સંચાલકે ત્યાં કલરકામ કરતા છ શ્રમિક માટે વ્યવસ્થા ઊભી નહીં કરતા શ્રમકો ઉ.પ્ર. જવા ચાલીને નીકળી ગયા હતાં. તે સંચાલક સામે એલસીબીએ ગુન્હો નોંધાવ્યો છે.
મળતી વિગત મુજબ જામનગર સહિત રાજ્ય અને દેશભરમાં કોરોના વાઈરસના કારણે ગયા બુધવારથી લોકડાઉન રાખવાનો હુકમ થયો છે ત્યારે જુદા જુદા સ્થળે પરપ્રાંતમાંથી પેટીયુ રળવા આવેલા શ્રમિકોને હાલત કફોડી થઈ ગઈ છે. તેઓ જે સ્થળે કામ કરે છે ત્યાં કામ બંધ કરાવવામાં આવ્યું છે અને તેઓને ખાવા-પીવાના પણ સાંસા પડી રહ્યા છે ત્યારે આવા શ્રમિકોની સંભાળ રાખવાની જવાબદારી જે-તે સ્થળના સંચાલક, માલિકની હોવાનું ઠરાવવામાં આવ્યુ છે અને આવા પરપ્રાંતિય શ્રમિકો પોતાના કામના સ્થળેથી કોઈપણ રીતે પોતાના વતનમાં પરત ન જાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા તંત્રએ સૂચના આપી છે તેમ છતાં કેટલાક સંચાલકો, માલિકો દ્વારા તે સૂચનાનો અમલ કરવામાં આવતો નથી. આ પ્રકારના શ્રમિકોને પોતાના વતન તરફ જતા રોકવાની કામગીરીના ભાગરૃપે ગઈકાલે રાત્રે સ્થાનિક ગુન્હા શોધક શાખા દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવતું હતું ત્યારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર મોટી બાણુગાર ગામના પાટીયા પાસેથી છ વ્યક્તિઓ ચાલીને આવતા જોવા મળતા એલસીબીએ તેઓની પુછપરછ કરી હતી. જેમાં આ વ્યક્તિઓ ઉત્તરપ્રદેશના હોવાનું અને હાલમાં જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ઠેબા નજીકના નવા ઊભા થતા પીવીઆર સિનેમા ઘરમાં કલરકામ કરતા હોવાનું ખુલ્યું હતું. કામ બંધ થઈ જતા આ શ્રમિકો પોતાના વતન તરફ જવા નીકળ્યા હોવાનું બહાર આવતા સિનેમા ઘરના માલિક ઈલેશ રમણીકભાઈ ભદ્રાએ પોતાની જવાબદારી હોવા છતાં સરકારના નિયમોનું પાલન કર્યુ ન હોય તેઓની સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન એક્ટની કલમ ૨૦૧૩ (૧) હેઠળ અને ધ એપેડેમીક ડીસીસ એક્ટ ૧૯૮૭ની કલમ ૩ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ કાર્યવાહી પીઆઈ કે.કે. ગોહીલની સૂચનાથી પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ, ભરતભાઈ, નાનજીભાઈ, શરદભાઈ, દિલીપભાઈ, અશ્વિનભાઈ ગંધા, ફિરોજભાઈ, ખીમભાઈ, હિરેનભાઈ, લાભુભાઈ, ભગીરથસિંહ, હરદીપભાઈ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ભાઈ, સંજયસિંહ, મિતેશભાઈ, અજયસિંહ, બળવંતસિંહ, સુરેશભાઈ, લખમણભાઈ, ભારતીબેન, એ.બી. જાડેજા અને અરવીંદગીરી દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment